નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની એથિક્સ કમિટીએ મનુષ્ય પર કોરોના રસી 'કોવેક્સિન'ના પરીક્ષણ માટે મંજૂરી આપી હતી. આજે સોમવારથી એઇમ્સમાં સ્વદેશી વિકસિત 'કોવેક્સિન'ની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યું છે. આ પરીક્ષણમાં ભાગ લેવા ઇચ્છુક લોકો એઈમ્સની વેબસાઇટ પર માહિતી મેળવી શકે છે.
એઇમ્સ દિલ્હીમાં સ્વદેશી રસી COVAXINનું માનવ ટ્રાયલ સોમવાર, 20 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. શનિવારે દિલ્હી એઇમ્સની એથિક્સ કમિટીએ કોરોના રસી COVAXINના માનવ ટ્રાયલ માટે તબક્કા-1ને મંજૂરી આપી હતી. આ માટે 10 કલાકની અંદર 1000થી વધુ લોકોએ માનવ ટ્રાયલ માટે નોંધણી કરાવી છે. હાલમાં જેઓ દિલ્હી-એનસીઆરમાં છે, તેમને જ નોંધણી કરવાની છૂટ છે. અન્ય 12 કેન્દ્રોએ રસી સંદર્ભે ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ અંગે એઈમ્સના પ્રોફેસર ડો. સંજય રાયના જણાવ્યા અનુસાર, કોઈ પણ વ્યક્તિ 07428847499 નંબર પર ફોન કરીને રસી ટ્રાયલ માટે પોતાનું નામ નોંધાવી શકે છે. આ માનવ ટ્રાયલ માટેનું નામ ctaiims.covid19@gmail.com પર નોંધણી કરાવી શકાય છે.
દુનિયામાં જેમ જેમ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, તેમ તેમ વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધનકારો લાખો લોકોને ચેપથી બચાવવા માટે રસી વિકસાવવા માટે મથી રહ્યાં છે. ભારતના પ્રથમ રસીના ઉમેદવાર કોવેક્સિનનું માનવ ટ્રાયલ આજે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ અંગે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)એ કોવિડ-19 રસીના માનવ ટ્રાયલ કરવાની મંજૂરી આપી દીધી હતી.
મહત્વનું છે કે, આ રસી હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)એ અગાઉ બાયોટેક કંપનીને તબક્કો-1 અને 2ના માનવ તબીબી પરીક્ષણો શરૂ કરવા મંજૂરી આપી હતી. પ્રોફેસર સંજય રાયના જણાવ્યા મુજબ, ફક્ત 18 વર્ષથી ઉપરના અને 55 વર્ષથી નીચેના લોકો જ આ માનવ ટ્રાયલમાં ભાગ લઈ શકશે. કોરોના માટે જે વ્યક્તિ પર રસીનું પરીક્ષણ કરવામાં આવશે, તે વ્યક્તિની પહેલા કોવિડ-19ની તપાસ કરવામાં આવશે. રક્ત, યકૃત, બીપી અને કિડની સહિતના તમામ પરીક્ષણોમાં તંદુરસ્ત જોવા મળતા લોકોને જ આ રસીનો ડોઝ આપવામાં આવશે.