નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની એથિક્સ કમિટીએ મનુષ્ય પર કોરોના રસી 'કોવેક્સિન'ના પરીક્ષણ માટે મંજૂરી આપી છે. સોમવારથી એઇમ્સમાં સ્વદેશી વિકસિત 'કોવેક્સિન'ની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. આ પરીક્ષણમાં ભાગ લેવા ઇચ્છુક લોકો એઈમ્સની વેબસાઇટ પર માહિતી મેળવી શકે છે.
દુનિયામાં જેમ જેમ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, તેમ તેમ વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધનકારો લાખો લોકોને ચેપથી બચાવવા માટે રસી વિકસાવવા માટે મથી રહ્યાં છે. ભારતના પ્રથમ રસીના ઉમેદવાર કોવેક્સિનનું માનવ ટ્રાયલ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ અંગે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)એ કોવિડ-19 રસીના માનવ ટ્રાયલ કરવાની મંજૂરી આપી દીધી છે.
આ રસી હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલોજી અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)એ અગાઉ બાયોટેક કંપનીને તબક્કો-1 અને 2ના માનવ તબીબી પરીક્ષણો શરૂ કરવા મંજૂરી આપી હતી. કોરોના મહામારી હવે કાળ બની છે, ત્યારે દેશમાં દરરોજ કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ અંગે DCGIએ દિલ્હી સ્થિત એઈમ્સ સહિત 12 સંસ્થાઓની પસંદગી કરી છે. જેમાંથી મહત્તમ 100 લોકો એઈમ્સના હોઈ શકે છે.
આ અંગે એઇમ્સમાં સેન્ટર ફોર કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડો. સંજય રાયે જણાવ્યું હતું કે, એઈમ્સની એથિક્સ કમિટીએ 'કોવેક્સિન'ના માનવ પરીક્ષણો શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પરીક્ષણમાં તંદુરસ્ત લોકોનો સમાવેશ કરવામાં આવશે, જેમને બીજો કોઈ રોગ ન હોય, જેઓ કોવિડ -19થી પીડાતા નથી અને જેમની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષથી ઓછી છે.