નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે બુધવારના રોજ કોરોનાના કેસ અંગે તેનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે અત્યાર સુધીની પરિસ્થિતિને ક્રમિક રીતે સમજાવી. તેમણે કહ્યું કે, જ્યારે લોકડાઉન ખોલવામાં આવ્યું ત્યારે અપેક્ષા હતી કે, કેસમાં વધારો થશે. પરંતુ આટલી ઝડપથી વધારો થવાની અપેક્ષા ન હતી.
કેજરીવાલે કહ્યું કે, આજે મને એ કહેતા ખુશી થાય છે કે, તમામ લોકોની સખત મહેનતને કારણે છેલ્લા એક મહિનામાં જે ભયાનક પરિસ્થિતિ થવાની હતી, તેમાંથી બહાર આવી શક્યા.આ અહેવાલ મુજબ, 60 હજાર સક્રિય કેસ હોવાનું જણાવ્યું હતું. આજે લગભગ 26 હજાર જેટલા સક્રિય કેસ છે. આ તમામ દિલ્હીવાસીઓની મહેનતનું પરિણામ છે. આ ડોકટરો અને નર્સોની સખત મહેનતનું પરિણામ છે. અમે પરિસ્થિતિ પર પહેલાથી જ નિયંત્રણ રાખ્યું છે. એક અનુમાન મુજબ, 15,000 બેડની જરૂરિયાત હતી, આજે આપણે 15,000 બેડની વ્યવસ્થા કરી લીધી છે. પરંતુ, માત્ર 5,800 દર્દીઓને જ બેડની જરૂરિયાત ઉભી થઈ છે. દિલ્હીમાં દિવસેને દિવસે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
દિલ્હીમાં કોરોનાને કારણે મોતનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છે. પહેલા એક દિવસમાં 125 મૃત્યુ થતા હતા, પરંતુ હવે તે 60-65 ની આસપાસ મૃત્યુ થઈ રહી છે. આ રિપોર્ટ બતાવે છે કે, પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં આવી છે. આ આપણા બધાની મહેનતનું પરિણામ છે. આ બધાના પ્રયાસ થકી શક્ય બન્યું છે. પરંતુ આપણે આનાથી ખુશ થઈ બેસી રેહવું ન જોઇએ. આ વાયરસ એવો છે કે, આવતીકાલે શું થશે તે કોઇ જાણતું નથી. આપણે બધાને તેમજ સરકારને પણ પ્રયાસો ચાલુ રાખી કોરોનાને હરાવવાનો છે.