હૈદરાબાદ: કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલા વિક્ષેપને પગલે ચાલુ નાણાંકીય વર્ષે દેશની સંગઠિત ડાઇન-ઇન રેસ્ટોરન્ટ્સની આવકમાં 40-50 ટકાનો ઘટાડો નોંધાશે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, દેશના રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સંગઠિત રેસ્ટોરન્ટ્સનું પ્રમાણ 35 ટકા છે. ઓર્ગેનાઇઝ્ડ રેસ્ટોરન્ટ્સમાં ડાઇન-ઇનની ટકાવારી 75 ટકા છે, જ્યારે બાકીની ટકાવારીમાં ઓનલાઇન ડિલીવરી, ટેકઅવેનો સમાવેશ થાય છે.
સરકારે 25મી માર્ચના રોજ પ્રથમ લોકડાઉનની જાહેરાત કરી, તે અગાઉથી મુંબઇ, નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) અને બેંગાલુરુ ખાતેનાં ડાઇન-ઇન અને જાહેર મનોરંજનનાં સ્થળો બંધ છે. મુંબઇ, દિલ્હી નસીઆર, બેંગાલુરુ, કોલકાતા, પૂણે અને ભુવનેશ્વર જેવાં પસંદગીનાં શહેરોમાં ઓનલાઇન ડિલીવરી ઉપલબ્ધ છે અને તે પણ નીચા સર્વિસ લેવલ પર.
CRISIL રિસર્ચના ડિરેક્ટર રાહુલ પ્રિથિયાનીએ જણાવ્યું હતું કે, “લોકડાઉનમાં સંગઠિત ક્ષેત્રના વેચાણમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડાઇન-ઇન અત્યારે કાર્યરત નથી અને ઓનલાઇન ઓર્ડર્સમાં 50-70 ટકાનો ઘટાડો નોંધાયો છે. અને જ્યારે લોકડાઉન દૂર કરવામાં આવશે, ત્યારે પણ ક્રમશઃ વૃદ્ધિ નોંધાશે. તેમાં મુખ્યત્વે મુંબઇ અને દિલ્હી એનસીઆરનો સમાવેશ થાય છે, અને ભારતના સંગઠિત રેસ્ટોરન્ટ ઉદ્યોગના અડધા કરતાં વધુ હિસ્સાને આવરી લે છે, પરંતુ ભારતમાં કોવિડ-19ના 30 ટકા કરતાં વધુ કેસોને કારણે તે શહેરો રેડ ઝોન છે.”
સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઓછી માગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને કારણે રેસ્ટોરન્ટ્સ લોકડાઉન સમાપ્ત થઇ જાય, તેના પ્રથમ 45 દિવસમાં તેમના માસિક સેવાના સ્તર કરતાં 25-30 ટકાના સ્તરે કામ કરશે. વળી, મુંબઇ અને દિલ્હી એનસીઆરમાં લોકોના જમાવડા અને જાહેર ગતિવિધિ પરનાં નિયંત્રણો લંબાવવામાં આવે તેવી શક્યતા છે, જેને કારણે ડાઇન-ઇન રેસ્ટોરન્ટ્સમાં જવા પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે અથવા તો તેમને નીચા સર્વિસ લેવલે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે.
રિસર્ચ અનુસાર, રેસ્ટોરન્ટની આવક નીચી જવાની બાગાયતી ખેડૂતો, ડેરી ઉત્પાદકો, ફૂડ પ્રોસેસર્સ, સપ્લાયર્સ અને લોજિસ્ટિક્સ તથા ડિલીવરી પાર્ટનર્સ ઉપર વિપરિત અસર પડશે. આ નાણાંકીય વર્ષમાં જથ્થાબંધ માગમાં તીવ્ર ઘટાડો થવાને કારણે રેસ્ટોરન્ટ્સ ક્ષેત્ર પર મોટાપાયે નિર્ભર અસંગઠિત ફૂડ પ્રોડ્યુસર્સને ભારે ફટકો પડશે.