નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં દિનપ્રતિદિન કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના વાઈરસના પોઝિટિવ કેસ આવતા હતા. પરંતુ હવે તેની રીત બદલાતી હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, આવા ઘણા હોટસ્પોટ સામે આવ્યા છે. જ્યાં એક જ સ્થળેથી કોરોના વાઈરસના ઘણા પોઝિટિવ કેસો નોંધાયા છે. દિલ્હી સરકારે આવા 76 ક્ષેત્રોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.
રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1893 પર પહોંચી ગઈ છે. ગત રોજ 186 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં હાલમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1893 છે. જે માંથી 959 લોકો હોસ્પિટલમાં દાખલ છે. 26 આઇસીયુમાં છે. જ્યારે 6 લોકો વેન્ટિલેટર પર છે. દિલ્હી સરકારે અત્યાર સુધીમાં 22,283 લોકોના કોરોના રિપોર્ટ કર્યા છે, જેમાંથી 1893 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને 2799 રિપોર્ટ પેન્ડિંગ છે.
છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે દિલ્હીમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 43 પર પહોંચી ગઈ છે. છેલ્લા દિવસોમાં કોરોના વાઈરસના કારણે મરનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં 134 દર્દીઓ સ્વસ્થ થયા છે. દિલ્હીમાં હજૂ સુધી કોરોના વાઈરસના સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 207 થઈ ગઈ છે.
દિલ્હી સરકાર દ્વારા દરરોજ જારી કરવામાં આવતા હેલ્થ બુલેટિનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં મરકઝને લગતા કેસોમાં વધારાને કારણે, દરરોજ બુલેટિનમાં એક કોલમમાં આ વિશે માહિતી આપવામાં આવતી હતી, પરંતુ 11 એપ્રિલથી આ કોલમમાં ફેરોફાર કરવામાં આવ્યો હતો. મરકઝની જગ્યાએ વિશેષ કામગીરી લખવામાં આવતી હતી. શનિવારના મેડિકલ બુલેટિનમાં આ આખી કોલમ જ કાઢી નાખવામાં આવી છે. જે કારણે જાણી શકાયું નથી કે, 186 નવા કિસ્સાઓમાં કેટલા મરકઝ સાથે સંબંધિત છે.