રામ મંદિરનો નવો ઈતિહાસ 5 ઓગસ્ટ, 2020ના દિવસે સુર્વણ અક્ષરે લખાયો છે. 1528થી લઈને 2020 સુધી એટલે કે 492 વર્ષ સુધીમાં ઈતિહાસમાં કેટલાય પરિવર્તનો આવ્યા, તોફાનો, શહીદી, રાજનીતિ, આક્ષેપો, પ્રતિઆક્ષેપો, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, અદાલતોમાં દલીલો વિગેરે અડચણો પાર કરીને રામ મંદિર મુદ્દો આપસી સમજૂતિ સાથે અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી ઉકેલાયો છે, 9 નવેમ્બર, 2019ના રોજ 5 જજોની કાયદાકીય બેન્ચે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. રામમંદિર રામ જન્મભૂમિના સ્થળે જ બનશે અને મસ્જિદ માટે અલગ જમીન આપવા ઠરાવ્યું. અયોધ્યા વિવાદનો કેસ દેશમાં સૌથી લાંબો ચાલનારો કેસ છે.
ઈતિહાસ પર નજર કરીએ તો 1528માં મુગલ બાદશાહ બાબરના સિપાહી મીર બાકીએ રામ જન્મભૂમિની જગ્યા પર એક મસ્જિદનું નિર્માણ કર્યું. ત્યારે હિન્દુઓએ દાવો કર્યો હતો કે, આ જગ્યા ભગવાન રામની જન્મભૂમિ છે અને આ જગ્યાએ એક પ્રાચીન મંદિર હતું. બસ ત્યારથી આ વિવાદ શરૂ થયો, તે 2019માં ઉકેલ આવ્યો અને 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ જન્મભૂમિ પૂજન થયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં 28 વર્ષ પહેલા 1992માં પહેલીવાર આવ્યા હતા, ત્યારે તેઓ ભાજપના તત્કાલીન પ્રમુખ મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં નિકળેલી તિરંગા યાત્રામાં તેમના સહયોગીના રૂપમાં અયોધ્યા પહોંચ્યા હતા. આ યાત્રા કશ્મીરમાં ધારા 370 હટાવવાની માંગ સાથે નીકળી હતી અને કહેવાય છે કે, જાન્યુઆરી 1992માં કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા 18 જાન્યુઆરી, 1992માં અયોધ્યા પહોંચી હતી, ત્યારે મુરલી મનોગર જોશીની સાથે નરેન્દ્ર મોદી અયોધ્યાના જીઆઈસી મેદાનમાં સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન ડૉ. મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદીએ રામલલ્લાના દર્શન કર્યા હતા.
ત્યાર પછી આજે 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવ્યા અને રામજન્મ ભૂમિપૂજન કર્યું, આ પણ ઈતિહાસમાં લખાશે. વડાપ્રધાન મોદીએ ભૂમિ પૂજન કર્યા પછી કહ્યું હતું કે, અયોધ્યામાં તૈયાર થનાર રામ મંદિર ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવશે. અનંતકાળ સુધી તે માનવતાની પ્રેરણા આપશે. બધાના રામ, બધામાં રામ અને જય સીયારામ. દેશમાં જ્યાં પણ પ્રભુ રામના ચરણ પડ્યા છે, ત્યાં રામ સર્કિટનું નિર્માણ થઈ રહ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, પૃથ્વી પર શ્રીરામ જેવો શાશક થયો નથી, કોઈ દુઃખી ન હોય, કોઈ પણ ગરીબ ન હોય, નર અને નારી સમાનરૂપે સુખી થાય. રામનો આદેશ છે કે બાળકો, વડીલો અને વૈદૌની રક્ષા કરવી જોઈએ. જે અમને કોરોનાએ શીખવી દીધું છે. સાથે આપણી માતૃભૂમિ સ્વર્ગથી પણ વધુ ઉત્તમ હોય છે. રામની રીતી અને નીતિ સદીઓથી ભારતને માર્ગદર્શન કરતી આવી છે. મહાત્મા ગાંધીએ રામરાજ્યનું સ્વપ્ન જોયું હતું. રામ સમય, સ્થળ અને પરિસ્થિતિઓને અનુરૂપ બોલાતા હતા અને વિચાર કરતાં હતા. રામ પરિવર્તન અને આધુનિકતાની તરફેણ કરતા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, રામ મંદિર આધુનિકતાનું પ્રતીક બનશે. આ મંદિર અમારી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. કરોડો લોકોની સામુહિક સંકલ્પશક્તિનું પણ પ્રતીક બનશે.
આજે તો ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષો ભુલી ગયા અને રામમય બની ગયા. કોંગ્રેસ પક્ષે તેમના ઓફિશિયલ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે કે ભારત ભૂમિ ભગવાન રામના મર્યાદિત જીવન અને આદર્શોથી સદૈવ ગૌરવાન્વિત થઈ છે. આ આદર્શ મહાત્મા ગાંધીના રામરાજ્યનું છે. જે તપ, ત્યાગ, સેવા, કર્તવ્ય, કરુણા, બંધુત્વ, સદભાવનું અનુસરણ છે. આવો આ માર્ગે આગળ ચાલીએ. આ પાવન અવસરે હાર્દિક શુભકામના.
કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ સર્વોત્તમ માનવીય ગુણોનું સ્વરૂપ છે. તેઓ આપણા મનની ગહરાઈઓમાં વસેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે, તેઓ કયારેય ધૃણામાં પ્રગટ થતાં નથી. રામ કરુણા છે, તેઓ કયારેય ક્રુરતામાં પ્રગટ થતા નથી, રામ ન્યાય છે, તેઓ કદીય અન્યાયમાં પ્રગટ થઈ શકતા નથી.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, સરળતા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધતા દીનબંધુ રામના નામનો સાર છે. રામ બધામાં છે, રાહ સૌની સાથે છે. ભગવાન રામ અને માતા સીતાનો સંદેશ અને તેમની કૃપાની સાથે રામલલાના મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બને.
રામના નામે મત માગ્યા, રામના નામે રાજનીતિ થઈ, રામના નામે કેટલાય કાર સેવકોના જીવ ગયા, તોફાનોમાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થયું, રામના નામે કેટલાય તર્યા અને કેટલાય ડુબ્યા, પણ હવે રામનું નામ રામરાજ્ય સ્થાપવા માટે લેવાશે. હવે એમ કહેવાય છે કે, બધામાં રામ છે અને બધાના રામ છે, રામ એકલા ભાજપના નથી, હવે રામ કોંગ્રેસના થઈ ગયા છે. હવે ભાજપ એમ કહે છે કે રામથી રાષ્ટ્ર નિર્માણ થશે. જે હોય તે પણ હિન્દુ રાષ્ટ્રમાં રામના મંદિરનું નિર્માણનું કાર્ય શરૂ થયું છે કે જે તમામ માટે ખુશી અને શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલી વાત છે. ચાર ધામની યાત્રાને સ્થાને હવે પાંચ ધામની જાત્રા બોલાશે. ચાર ધામની સાથે અયોધ્યાધામનું નામ જોડાઈ જશે. જાત્રા કરનારા હવે અયોધ્યા જશે, અને પહેલા હનુમાનગઢી પછી રામ લલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવશે.
ભરત પંચાલ બ્યૂરો ચીફ અમદાવાદ