જયપુરઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શનિવારે ભાજપ પર સરકાર ઉથલાવવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે આજે મોડી રાત્રે સચિન પાયલટ જૂથના 10 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે. જે કોંગ્રેસ હાઈકમાન્ડને રજૂઆત કરી પોતાની નારાજગી વ્યક્ત કરશે.
રાજસ્થાનમાં ખુરશીની ખેંચતાણ ચાલી રહી છે, ત્યાં ગેહલોતથી નારાજ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિતના 10 ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળી છે. આ તમામ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળીને પોતાનો પક્ષ રજૂ કરશે.
મહત્વનું છે કે, શનિવારે મોડી રાત્રે ગેહલોતે કેબિનેટની બેઠક પણ બોલાવી હતી. બીજી બાજુ રાજસ્થાન સરકારે રાજ્યની તમામ સરહદ સીલ કરી દીધી છે. રાજસ્થાન બહાર જવા માટે હવે સરકારની મંજૂરી લેવી ફરજિયાત હશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન આવનારાની પણ સરહદ પર તપાસ કરાશે. આમ, રાજસ્થાનમાં ફરી રાજકીય નાટક શરૂ થયું છે. રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે, અમારી સરકાર પાડી દેવાનું કાવતરું ચાલી રહ્યું છે. દિલ્હીમાં બેઠેલા ભાજપના કેન્દ્રીય નેતાઓ કોરોના સંકટ સમયે પણ અમારી સરકાર પાડી દેવાની ફિરાકમાં છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, એક તરફ રાજસ્થાન સરકાર કોરોના મહામારી સામે લડી રહી છે, ત્યારે બીજી તરફ ભાજપ અમારી સરકાર ઊથલાવવા વ્યસ્ત છે. ભાજપે મહારાષ્ટ્રમાં બહુમતી ન હોવા છતાં સરકાર રચવા પ્રયાસ કર્યો. અરુણાચલમાં કોંગ્રેસને બહુમતી મળી હોવા છતાં સરકાર ન બનવા દીધી. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે પક્ષપલટો કરાવી કમલ સરકાર ઊથલાવી દીધી.
તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાસક પક્ષ કોંગ્રેસે ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે આ અંગે સ્પેશિયલ ફોર્સને ફરિયાદ કરી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપએ ભાજપના બે નેતાઓની ધરપકડ કરી હતી. જો કે, બાદમાં ભાજપના બહાને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત આમને-સામને આવી ગયા હતાં.
અશોક ગેહલોતે સચિન પાયલટ પર ઇશારો કરતા કહ્યું કે, એકવાર હું મુખ્ય પ્રધાન બની ગયો છું, હવે બાકીના લોકોએ શાંત રહીને કામ કરવું જોઈએ. મહત્વનું છે કે, રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યમાંથી 107 કોંગ્રેસ પાસે છે, જ્યારે 72 ધારાસભ્યો ભાજપ પાસે છે. કોંગ્રેસને રાજ્યના 13માંથી 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે.
રાજસ્થાનના કેટલાક ધારાસભ્યો દિલ્હી ગયા છે. આ વાતનો સ્વીકાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય જીતેન્દ્રસિંહ ગુર્જરે કહ્યું કે, આશરે 10 ધારાસભ્યો દિલ્હી ગયા છે, પરંતુ આ બધા કોઈ જૂથબંધીનો ભાગ નથી. આ નેતાઓ પોતાની વાત રાખવા માટે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડને મળશે. આ અંગે જિતેન્દ્રસિંહે કહ્યું કે, રાજસ્થાનની પરંપરા એવી નથી રહી કે, અહીં ખરીદ-ફરોકથી કઈ કામ થતું હોય, કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક થઈ ગયા છે અને જો કોઈનો રોષ હોય તો તે હાઈકમાન્ડ સમક્ષ મુકી શકે છે, પરંતુ ધારાસભ્યો તૂટવાની વાતમાં કોઇ સત્ય નથી. કોંગ્રેસના ધારાસભ્યોએ અમારા સમર્થનનો એક મુખ્ય પ્રધાનને સુપરત કર્યો છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, અમે મુખ્યપ્રધાન અશોક ગેહલોત પર વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.