રાહુલે રાજીનામું આપ્યા બાદ એવી અટકળો થઈ રહી હતી કે, તેમની બહેન અને કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે, પરંતુ આ વાતને કોઈ પુષ્ટી મળી નથી. હાલમાં પાર્ટીના કાર્યકર્તાઓ એકથી વધારે કાર્યકારી અધ્યક્ષ બનાવવાના પાર્ટી મૉડેલને તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે.
પાર્ટીના નવા ઉત્તરાધિકારી વિશે ઘણી ચર્ચા કર્યા બાદ પાર્ટીના સદસ્યોએ એ વાતને સહમતિ આપી છે કે, કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાં પણ જો એક દક્ષિણ ભારતમાંથી હોય તો પાર્ટી માટે વધારે સારૂં રહેશે. તેમજ એક પ્રસ્તાવ તે પણ છે કે, કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી હોવા જોઈએ.
પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અધ્યક્ષ પદ માટે કેટલાક નામો વિચારવામાં આવ્યા છે અને પાર્ટીનું નવું સેટ-અપ સંસદના બજેટ સત્ર પહેલાં થઈ શકે છે. જેમાં અનુસૂચિત જાતિના બે નેતા સુશિલ કુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગેના નામનો સમાવેશ છે. તેમની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ યુવા અધ્યક્ષ તરીકે સામેલ છે.
આ બધાની વચ્ચે પૂર્વ કેંન્દ્રીય પ્રધાન અને હૉકી ઓલમ્પિક ખેલાડી અસલમ શેર ખાને રાહુલ ગાંધીને પત્ર લખી કહ્યું છે કે, જો તમે ગાંધી-નહેરૂ પરિવારની બહારથી જ પાર્ટીના અધ્યક્ષ તરીકે કોઈને બનાવવા માંગો છો અને કોઈ આ પદ માટે આગળ નથી આવતું તો મને તક આપજો. તેમણે પત્રમાં માત્ર 2 વર્ષ માટે આ અસર આપવા જણાવ્યું છે, કારણ કે, કોંગ્રેસના ફરી એક વખત રાષ્ટ્રવાદ સાથે જોડવી ખૂબ જ જરુરી છે.
આ પહેલા પાર્ટીએ ત્રણ કાર્યકારી અધ્યક્ષ માટે પણ પ્રસાતાવ આપ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વી ભારતમાંથી એક-એક અને જો ચોથા અધ્યક્ષ પશ્વિમ ભારતમાંથી ચૂંટવામાં આવે તો કોઈ શંકા નથી.