- પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે ઇમરતી દેવીને કહ્યું હતું 'આઇટમ'
- ડબરા વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે ઇમરતી દેવી
- રાહુલે કહ્યું, કમલનાથની આ ભાષા મને પસંદ નહી
વાયનાડ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની જ પાર્ટીના નેતા કમલનાથ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવી ભાષા તેમને પસંદ નથી.
'કમલનાથ મારી પાર્ટીના છે, પરંતુ વ્યક્તિગત રીતે તેમણે જે પ્રકારની ભાષા વાપરી છે તે મને પસંદ નથી... હું તેને ટેકો આપતો નથી. પછી ભલે તે કોઇપણ હોય. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.'
મધ્યપ્રદેશના રાજકારણમાં ખળભળાટ
આ નિવેદન સામે આવતા જ મધ્યપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોનિયા ગાંધીના અંગત ગણાતા કમલનાથ માટે રાહુલ ગાંધી આટલી મોટી વાત કહે તે ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે.
ડબરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઇમરતી દેવી વિરુદ્ધ કમલનાથે કરેલી આ ટિપ્પણી અંગે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. ચૂંટણી પંચના વરિષ્ઠ વડાએ કહ્યું કે, આ અહેવાલના આધારે મંગળવારે ચૂંટણી પંચ બેઠક કરશે અને આ મામલે આગળ શું કરવું તેની વિચારણા કરશે.
રાષ્ટ્રીય મહિલા આયોગે પણ માંગ્યો રિપોર્ટ
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પણ જરૂરી કાર્યવાહી માટે આ અંગે ચૂંટણી પંચને સોંપ્યો છે. આ અંગે ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું, "અમને NCW તરફથી સંદેશ મળ્યો ત્યાં સુધીમાં અમે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી વિગતવાર રિપોર્ટ માંગી ચૂક્યા હતા."
શિવરાજસિંહ ચૌહાણે સોનિયા ગાંધીને લખ્યો પત્ર
મધ્ય પ્રદેશના હાલના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કમલનાથને તમામ પદો પરથી હટાવવાની માગ કરી છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન તોમરે કહ્યું હતું કે, જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહિલાઓના સન્માનને મહત્વ આપે છે અને દલિતો વિશે વાત કરે છે, તો કમલનાથ સહિત કોંગ્રેસના ટોચના નેતાઓએ ઇમરતી દેવી સહિતની મહિલાઓની માફી માંગવી જોઇએ.
ઇમરતી દેવી રડી પડ્યાં
મધ્ય પ્રદેશના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ઇમરતી દેવી સોમવારે ગ્વાલિયર જિલ્લાના ડબરા ખાતે આ ટિપ્પણી પર રડી પડ્યા હતા. જેનો વીડિયો સોશીયલ મીડિયા પર વાઇરલ થયો છે. તેમજ સ્થાનિક ટેલિવિઝન ચેનલો પર પણ તે દેખાડવામાં આવી રહ્યો છે.