લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે 21 ઉમ્મેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ 21 ઉમ્મેદવારોની યાદીમાં 16 ઉત્તરપ્રદેશના અને 5 મહારાષ્ટ્રના સામેલ છે. કોંગ્રેસે ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે હાઇ પ્રોફાઇલ ગણાતી સુલતાનપુર સીટ પરથી સંજય સિંહને ટિકિટ આપી છે. ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલ કાનપુરથી ચૂંટણી લડશે.
તમને જણાવી દઇએ કે, શ્રીપ્રકાશ જયસ્વાલ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરના કારણે મુરલી મનોહર જોષી સામે હારી ગયા હતાં. 2014માં ભાજપની ટિકિટ પર લડનારા સાંસદ સાવિત્રી ફુલેને કોંગ્રેસે બહરાઇચથી ટિકિટ આપી છે.
જ્યારે ભૂતપૂર્વ પ્રધાન સુશીલ કુમાર શિંદે મહારાષ્ટ્રના સોલાપુરથી ચૂંટણી લડશે. આ સિવાય પ્રિયા દત મુંબઇ-નોર્થ સેંન્ટ્રલથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થનાર નાના પટોલે નાગપુરથી ચૂંટણી લડશે. મળતી માહિતી મુજબ, નાના પટોલે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વિરૂદ્ધ ચૂંટણી લડી શકે છે. જ્યારે મિલિંદ દેવડાને મુંબઇ દક્ષિણથી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે.