નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે મંગળવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપતા કહ્યું કે, કોંગ્રેસ જનાદેશનો સ્વીકાર કરી રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના નવનિર્માણનો સંકલ્પ કરે છે.
કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, દિલ્હીની જનતાએ જનાદેશ આપી દીધો છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, જનતાએ આ જનાદેશ કોંગ્રેસના વિરૂદ્ધ પણ આપ્યો છે. અમે આનો સહર્ષ સ્વીકાર કરીંએ છીંએ. ચૂંટણીની દરેક હારમાંથી શીખવા મળે છે. આ હારથી અમને એ વાતનો અહેસાસ છે કે, અમને જનાદેશ નથી મળ્યો, પરંતુ કોંગ્રેસનો સંકલ્પ છે નવનિર્માણનો. અમે ફરી પાછા આવીશું.
અત્યાર સુધીના પરિણામમાંથી ખ્યાલ આવે છે કે, આમ આદમી પાર્ટીને બહુમતી મળી રહી છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને શુભેચ્છાઓ આપી છે. આ દરમિયાન સુભાષ ચોપડા અને કીર્તિ આઝાદે પોતાની વાત રજૂ કરી હતી.
સુભાષ ચોપડાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ લોકોને જણાવ્યું કે, તેમણે શું-શું કાર્યો કર્યાં છે. લોકોએ કેજરીવાલને વાતને સાંભળી અને તેનો સ્વીકાર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં વિકાસના કાર્યો કોંગ્રેસ પાર્ટીએ કર્યાં છે. દિલ્હીમાં મેટ્રો કોંગ્રેસ લાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, બન્ને પાર્ટીઓએ ધ્રુવીકરણ કરવાના પ્રયાસો કર્યા અને મહદઅંશે સફળ પણ રહી છે. ચોપડાએ કહ્યું કે, હું પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. હું આ હારની નૈતિક જવાબદારી સ્વીકારૂં છું. મેં મારી ક્ષમતા મુજબનું સંપૂર્ણ કાર્ય કર્યું છે.