ચંડીગઢ: કોરોના સામેની લડતમાં પંજાબ સરકારે તમામ જાહેર કાર્યક્રમો પર સંપૂર્ણરીતે પ્રતિબંધ મૂક્યો છે. લગ્ન સમારોહમાં હાજર રહેવા માટે લોકોની સંખ્યા 50થી ઘટાડીને 30 કરી દીધી છે. જેથી હવે લગ્ન સમારોહમાં 30થી વધુ લોકો ભેગા નહીં થઇ શકે.
ઓફિસ, કાર્યસ્થળ અથવા અન્ય જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. આ નવી માર્ગદર્શિકા સોમવારે જાહેર કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે કરી હતી. આ ઘોષણાને અનુરૂપ, સોમવારે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ દિશાનિર્દેશોનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રવિવારે પંજાબમાં કોરોના વાઇરસના 234 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 7,821 થઈ ગઈ છે, જ્યારે વધુ ચાર દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 199 પર પહોંચી ગયો છે. મેડિકલ બુલેટિન અનુસાર, રાજ્યમાં કોવિડ -19 ના 2,230 દર્દીઓ સારવાર હેઠળ છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 352 લોકોને રિકવરી બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં 5,392 લોકો આ રોગથી સાજા થયા છે.