ફેબ્રુઆરીમાં લેવાયેલા તે પગલાં પછી સરકારને આશા હતી કે, કોલ સેક્ટરમાં સ્પર્ધાત્મકા જળવાઈ રહેશે અને ભાવો પડશે, આમ છતાં નિયંત્રણોનું ઝાળું હજી દૂરી થયું નથી. વધુ કંપનીઓ બીડમાં જોડાય અને સીધું વિદેશી મૂડીરોકાણ આવે તેવી આશા સરકારને હોય તો તે માટે વધુ કાયદાકીય અડચણો દૂર કરવી પડશે. ગયા ઓગસ્ટમાં કોલસા ક્ષેત્રમાં FDIને મંજૂરી આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં વીજ અને પોલાદ સેક્ટરની કંપનીઓને જો તેમને ભારતમાં કોલસાની ખાણો ચલાવવાનું અનુભવ હોય તો જ લીલામીમાં ભાગ લેવાની છૂટ અપાતી હતી. વટહુકમ પછી તે મર્યાદા દૂર કરવામાં આવી છે અને તેના કારણે પીબોડી, ગ્લેનકોર અને રિઓ ટિન્ટો જેવી મોટી કંપનીઓ ભાગ લઈ શકી છે.
સીમેન્ટ, સ્ટીલ અને વીજ ઉદ્યોગો માટે કોલસાનો પુરવઠો સતત મળતો રહે તે જરૂરી છે. ભારતે ગયા વર્ષે 23 અબજ ટન કોલસાની આયાત કરવી પડી હતી, કેમ કે ઘરઆંગણે એટલું ઉત્પાદન થયું નહોતું. પ્રાદેશિક ધોરણે કોલસો કાઢી શકાયો હોત તો તેમાંથી આપણે કમસે કમ 13 કરોડ ટન આયાત ઓછી કરી શક્યા હોત અને મોટી બચત થઈ હોત. નવા સુધારાને કારણે વધુ કંપનીઓ આવશે અને કોલસાનું ખાણકામ વધશે તેવી સરકારને આશા છે. મલ્ટિનેશનલ કંપનીઓને કારણે અત્યાધુનિક ટેક્નોલોજી પણ આવશે અને તેના કારણે વધારે ઊંડાઈએથી કોલસો કાઢી શકાશે. દેશમાં દર વર્ષે કોલસાનું ખોદકામ ઘટી રહ્યું છે, તેથી ઉત્પાદન સેક્ટરને અસર થઈ રહી છે.
કોલ ઇન્ડિયા દેશના કોલસા ઉત્પાદનમાં ત્રણ ચતુર્થાંશ કરતાંય વધારે હિસ્સો ધરાવે છે. તે ઊંચા આયાત બીલના કારણે લક્ષ્યાંક હાંસલ કરી શકતું નથી. કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરાયું તે પછી બે વર્ષે 1973માં કોલ ઇન્ડિયા શરૂ કરાયું હતું. તેની સ્થાપનાથી સતત તે ધાર્યું ઉત્પાદન હાંસલ કરી શક્યું નથી. તેના કારણે કોલસાની વધારેને વધારે આયાત કરવી પડે છે. આધુનિક ટેક્નોલોજી ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે તેમ માનીને મોદી સરકારે આ પગલાં લીધા છે. મહારત્ન તરીકે ઓળખાતા કોલ ઈન્ડિયા દ્વારા વર્ષે 60 કરોડ ટન કોલસો કાઢવામાં આવે છે. વર્ષ 2023-24 સુધીમાં વર્ષે 100 કરોડ ટનનું લક્ષ્યાંક તે હાંસલ નહિ કરે તો તેની હાલત પણ BSNL જેવી થશે, જે ખાનગી સ્પર્ધા સામે હાંફી ગયું છે.
સરકાર FDIને પ્રોત્સાહન આપે છે, પણ સાથે જ કોલ ઈન્ડિયાના 30 લાખ કર્મચારીઓનો પણ વિચાર કરવો રહ્યો. જવાબદારી હવે કોલ ઈન્ડિયા પર છે કે, તે વધારે ઉત્સાહ સાથે કામ કરે, કેમ કે કોલસા અને ખાણ પ્રધાન પ્રહલાદ જોષીએ ખાતરી આપી છે કે, તેને વધારે ખાણો ફાળવવામાં આવશે. FDI આવે અને સ્થિર થાય ત્યાં સુધીમાં કોલ ઈન્ડિયાએ પોતાની કામગીરી સુધારીને લક્ષ્યાંક હાંસલ કરી લેવો જોઈએ. તેનાથી દેશના વિકાસને પણ ફાયદો થશે.
- કાળા સોના તરીકે જાણીતા કોલસાની બાબતમાં ભારતની સ્થિતિ થોડી વિચિત્ર છે
કોલસાના અનામત જથ્થાની બાબતમાં અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ચીન પછી પાંચમું સ્થાન ભારતનું છે. આયાતની બાબતમાં તે જાપાન (16.7 ટકા) પછી બીજા સ્થાને (16.2 ટકા) છે. એ વાત જાણીતી છે કે, UPA સરકાર વચ્ચે કોલસાના બ્લોકની ફાળવણીમાં મોટો વિવાદ થયો હતો. 1993થી ચાલતી ગેરરીતિને કારણે સુપ્રીમ કોર્ટે છ વર્ષ પહેલાં કોલસાના 214 ફિલ્ડની ફાળવણી રદ કરી દીધી હતી. નરેન્દ્ર મોદી સરકારે 10 પોઈન્ટનો એજન્ડા નક્કી કર્યો છે તે પ્રમાણે ઈ-બિડિંગ કરીને વધુ સારું મોડલ ઊભું કરવામાં આવશે. કોલ ઇન્ડિયા અને બીજી મલ્ટિનેશનલ કંપનીઓ વિદેશમાંથી ઓછામાં ઓછો કોલસો આયાત કરે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ. રદ કરી દેવામાં આવેલા ફિલ્ડમાંથી અત્યાર સુધીમાં માત્ર 20 ખાણોની જ લીલામી થઈ છે.
સરકારી તંત્રમાં ઘૂસી ગયેલી શિથિલતાને દૂર કરીને ખાણના લાયસન્સ ઝડપથી આપીને સુધારાનો ઝડપથી અમલ કરવો જરૂરી છે. વેપાર તરફી વાતાવરણ ઊભું થશે ત્યારે જ FDI વધુ આવતું થશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તેના નીતિ નિયમો સરખા કરવા જણાવ્યું છે. જેથી કોલસાની ખાણો ખોદનારી કંપનીઓ ત્યાર બાદ ત્યાં વૃક્ષારોપણ કરે. સુપ્રીમ કોર્ટે બાયોડાયવર્સિટી વધારવા જણાવ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના પ્રયાસો કોર્ટની ભાવનાને અનુરૂપ હોવા જોઈએ.