જયપુરઃ CM અશોક ગેહલોતે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા રાજસ્થાનમાં તીડની સમસ્યાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે વર્લ્ડ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અનુમાન મુજબ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ખરીફ-2020 અને રવિ 2020-21ના પાકને સંભવિત નુકસાન, કોરોના મહામારીને કારણે રાજ્યોની નબળી આર્થિક સ્થતિ અને ખેડૂતોના હીતમાં આ નિર્ણય કરવો જરૂરી છે. જેથી તીડના પ્રકોપનો સામનો કરવા માટે રાજ્યની ક્ષમતા મજબૂત થશે.
ગેહલોતે પત્ર દ્વારા જણાવ્યું હતું કે, તીડની સમસ્યાએ એક આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન કરી તીડથી પ્રભાવિત તમામ દેશો સાથે વાતચીત કરવી જોઇએ. જેથી તીડને રોકવા માટે અસરકારક પગલા લઇ શકાય. તેમણે કહ્યું કે, આફ્રિકા અને ખાડી દેશોમાં મોટા પાયે તીડ છે. આ કારણે સરહદ પારથી સતત તીડનું જુથ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પ્રવેશ કરી રહ્યા છે.
મુખ્યપ્રધાને પત્ર દ્વારા વડાપ્રધાનને જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં 11 એપ્રિલથી તીડ આવવા લાગ્યા હતા અને 33 જિલ્લામાંથી 32 જિલ્લામાં તીડે હુમલો કર્યો હતો. આ વર્ષે રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉતર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ તીડ જોવા મળ્યાં હતા. હવે આ સમસ્યા મલ્ટી સ્ટેટ સમસ્યા બની ગઇ છે..
ગેહલોતે પત્રમાં જણાવ્યું કે, વર્ષ 2019-20માં રાજસ્થાનના 12 જિલ્લાઓમાં લગભગ 6 લાખ 70 હજાર હેક્ટર વિસ્તાર તીડથી પ્રભાવિત થયો છે. ભારત સરકારના તીડ ચેતવણી સંસ્થા અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો દ્વારા તીડને ખૂબ અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ રવિ પાકમાં ખેડૂતોને આશરે એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.