નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે, વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી બધા રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી હતી. અત્યારે બધા રાજ્યો કોવિડ-19થી બચવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ વીડિયો કોન્ફરન્સમાં એ જોઈને નિરાશા થઇ કે, વડાપ્રધાને રાજ્યોના વર્તમાન પડકારો અંગે કોઈ ચર્ચા કરી નથી. ગેહલોતે વધુમાં કહ્યું કે, જો કેન્દ્ર સરકાર રાજ્યોના પડકારો અંગે ચર્ચા નહીં કરે તો રાજ્યને મદદ કેવી રીતે કરશે?
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 2 દિવસથી દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકડાઉન 5.0ની સાથે-સાથે કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ અંતર્ગત બુધવારે પીએમ મોદીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી.