કોલકાતા: પશ્વિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના આમાડાંગા પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટ બાદ હિંસક અથડામણ થઇ હતી. આ અથડામણનું કારણ એક તસવીર હતી. જેમાં એક સ્થાનિક પાર્ટી સમર્થકના હાથમાં ટીએમસીનો ધ્વજ બતાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટો પોસ્ટ કરવામાં આવતા વિવાદ વધી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરને લઇને રાજ્યમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાની એક-બીજા સાથે અથડામણ થઇ હતી. આ હિંસક અથડામણમાં આમાડાંગા પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત 8 પોલીસ જવાન ઘાયલ થયાં છે.
સમગ્ર મામલાની ગંભીરતાને જોઇને આ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. દક્ષિણ 24 પરગણાની ઘટના સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગી છે. તેમજ તેની હાલત ગંભીર છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, આ અથડામણ ચારવિદ્યા ગામના નિયંત્રણના મુદ્દાને લઇને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને પાર્ટીની યુવા શાખા, યુવા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.
ટીએમસીના સ્થાનિક નેતાઓનો આરોપ છે કે, યુવા શાખાના કાર્યકર્તાઓએ મુખ્ય પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને તેમના પર ફાયરિંગ કર્યું હતું. જો કે, યુવા તૃણમૂલ કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે, આ ઘટના પારિવારિક વિવાદને કારણે થઈ હતી. જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.