ગુરૂવાર રાત્રે UPના મુખ્યપ્રધાને જિલ્લા અધિકારીઓ અને પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. જેમાં તેમણે કાયદા વ્યવસ્થાને સુનિશ્ચિત રાખવા જણાવ્યું હતું. હાલ, UP સરકાર જિલ્લામાં શાંતિ જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે.
અયોધ્યામાં સુરક્ષા દળોએ નાકાબંધી કરી દીધી છે. શહેરમાં 22 જગ્યાઓએ રેપિડ એક્શન ફોર્સના જવાનો કાર્યરત છે. તેમજ એટીએસ કમાન્ડો 16 સ્થળોએ તૈનાત કરાયા છે. અયોધ્યાના ચોક વિસ્તાર, રામ જન્મભૂમિ વિસ્તાર, હનુમાન ગઢી ચોકડી, મકબરોદ અને રેકાબગંજ સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત ઉપદ્રવિયોને આશરો આપનાર આઝમગઢ અને આંબેડકર નગરમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. આ કેસથી જોડાયેલાં તમામ પક્ષકારોએ શાંતિ જાળવવા અપીલ કરાઈ છે. આમ, રામમંદિરના નિર્ણયને લઈ કોમી રમખાણ જેવી પરિસ્થિતી ઊભી ન થાય તે માટે ઉત્તરપ્રદેશમાં બધા ધાર્મિક નેતાઓએ કોર્ટના નિર્ણયને સ્વીકારવાની તૈયારી બતાવી છે.