શ્રીનગર: લદ્દાખના ચૂમર-ડેમચોક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા એક ચીની સૈનિકની ભારતીય સુરક્ષા દળોએ ધરપકડ કરી છે. તેમણે અજાણતા જ ભારતીય સીમાક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
અગાઉ ભારતીય સેનાએ માનવતાનું ઉદાહરણ આપતા 13 યાક અને વાછરડા ચીનને પરત કર્યા હતા. આ બધા પશુઓ માર્ગ ભટકી ગયા હતા અને 31 ઑગસ્ટે ભારતીય સીમાની અંદર આવી ગયા હતા. પશુઓ અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગ પ્રદેશમાં આવ્યા હતા.
ઘૂસણખોરીનો પ્રયાસ
તમને જણાવી દઇએ કે ભારતીય સૈન્યએ સિક્કિમના મેદાનો પર રસ્તો ભટકેલા ત્રણ ચીનના નાગરિકોને બચાવ્યા હતા. ઉપરાંત સૈન્યએ તેમને તબીબી સહાય, ઓક્સિજન, ખોરાક અને ગરમ કપડાં પણ આપ્યા હતા. સૈન્યએ તેમને સાચો રસ્તો બતાવી રવાના કર્યા હતા.
ગત 29 અને 30 ઑગસ્ટે ચીનના સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. તેને લઇને બંને સેના વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભારતીય સૈન્યએ તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
ગલવાન ઝડપ
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જ 15 અને 16 જુને લદ્દાખની ગલવાન ખીણમાં LAC પર ભારતીય સેના અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું હતું. જેમાં એક કર્નલ સહિત 20 સૈનિકો શહિદ થયા હતા.
પેંગોંગ સરોવર વિવાદ
લદ્દાખમાં 134 કિલોમીટર લાંબુ પેંગોંગ સરોવર હિમાલયમાં 14,000 ફૂટથી વધુની ઉંચાઇ પર સ્થિત છે. આ તળાવના અંતરનો 45 કિ.મી.નો વિસ્તાર ભારતમાં આવે છે, જ્યારે 90 કિ.મી. ચીનના વિસ્તારમાં આવે છે. વાસ્તવિક નિયંત્રણ રેખા આ તળાવમાંથી પસાર થાય છે, પરંતુ ચીન માને છે કે આ આખી તળાવ ચીનના અધિકારક્ષેત્રમાં આવે છે.