કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ 106 દિવસ બાદ તિહાડ જેલમાંથી બહાર નિકળ્યા છે. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમ ત્રણ મહિના કરતા વધુ સમયથી જેલમાં હતા.
જસ્ટિસ આર.ભાનુમતી, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસ.બોપન્નાએ આ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચિદમ્બરમે જામીન માટે બે લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવા પડશે. સુપ્રીમ કોર્ટે સમાન રકમની બે જામીન રકમ જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. વધુમાં ચિદમ્બરમના દેશની બહાર જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે, કોર્ટે ખૂબ વિગતવાર ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અનેક મુદ્દાઓ પર વિચાર કર્યા બાદ ચુકાદો આપ્યો છે. જેમાં ભાગેડુ ન હોવાનું, પુરાવા સાથે ચેડા ન કરવા અને તપાસમાં સહકાર ન આપવા જેવા ત્રણ મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો છે.
સિંઘવીએ જણાવ્યું કે, ચિદમ્બરમને અગાઉ પણ ત્રણેય મુદ્દે નિર્દોષ માનવામાં આવ્યા હતા. આજે પણ કોર્ટે આ હકીકત સ્વીકારી છે. તેમણે નિર્ણયને સંતુલિત ગણાવ્યો છે.
બુધવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પી. ચિદમ્બરમને અપાયેલી જામીનનો લાભ આ કેસમાં અન્ય કોઈ આરોપી લઈ શકશે નહીં. કોર્ટે ચિદમ્બરમને આ મામલે મીડિયામાં કોઈ પણ પ્રકારનો ઈન્ટરવ્યુ આપવા અથવા આ મામલે કોઈ નિવેદન આપવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના 15 નવેમ્બરના આદેશને પણ નિરસ્ત કર્યો હતો. આ આદેશમાં હાઈકોર્ટે પી. ચિદમ્બરમની જામીન અરજી નામંજૂર કરી હતી.