ઉષા ચૌમારે અલ્વરને ગૌરવ અપાવ્યું છે અને તેને દેશભરમાં પ્રસિદ્ધિ અપાવી છે. ઉષા કહે છે, આ એક જીવનમાં તેમણે બે ભિન્ન જીવનનો અનુભવ મેળવી લીધો છે. તેઓ તમામ મહિલાઓને સંદેશ આપે છે કે, મહિલાઓએ સમસ્યાઓ અને પડકારોથી ભયભીત થઇને ભાગી ન જવું જોઇએ, બલ્કે તેનો સામનો કરવો જોઇએ.
2003માં જીવનમાં આવ્યો મહત્વનો વળાંક
ઉષાએ 7 વર્ષની કુમળી વયે માથે મેલું ઉપાડવાનું કાર્ય શરૂ કર્યું હતું. 14 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં અને મેલું ઉપાડવાનું કાર્ય સાસરે પણ યથાવત્ રહ્યું. ઉષા કહે છે કે, 2003ના વર્ષમાં તેમનાં જીવનમાં મહત્વનો વળાંક આવ્યો. આ વર્ષ તેમની સાથે-સાથે બીજી 150 મહિલાઓનું જીવન પલટી નાંખનારૂં રહ્યું અને તેઓ સૌ મુખ્ય પ્રવાહમાં સામેલ થયાં.
નર્ક સમાન જીવનનો અનુભવ કર્યો છેઃ ઉષા
જ્યારે ઉષા 2003 પહેલાંના તેમનાં જીવન વિશે વાત કરે છે, ત્યારે કહે છે કે, માથે મેલું ઉપાડનારી અન્ય વ્યક્તિઓ (મેન્યુઅલ સ્કેવેન્જર્સ) સાથે જેવો વ્યવહાર થાય, તેવો જ ખરાબ વ્યવહાર તેમની સાથે પણ થતો હતો. લોકો ઉષાને અસ્પૃશ્ય ગણતા અને તેમની નજીક કદી પણ ન બેસતા. જ્યારે તેમણે ઉષાને પૈસા આપવાના આવે, ત્યારે તેઓ ઉષા તરફ પૈસા ફેંકતા. એટલું જ નહીં, તરસ લાગે, ત્યારે પાણી આપતી વખતે ઉષાના પાણી લેવાના પાત્રનો સ્પર્શ ન થઇ જાય, તેની તેઓ ખાસ તકેદારી રાખતા. ઉષાને મંદિરમાં પ્રવેશવાની પણ અનુમતી ન હતી. તે સમયે ઉષા વિચારતાં કે, શું તેમણે જીવનભર આ જ કામ કરવું પડશે? શું તે લોકો બસ આ કામ માટે જ અવતર્યાં છે?
જીવન બદલાયું...
આજે ઉષા "સુલભ શૌચાલય સંસ્થાન" સાથે સંકળાયેલાં છે. તેઓ હાથ બનાવટની ચીજોનું ઉત્પાદન કરે છે અને લોકોને તેનું વિતરણ કરે છે. આ કાર્ય થકી તેમને નવું જીવન પ્રાપ્ત થયું છે અને તેમના પરિવારનું ગુજરાન ઉષાની કમાણી પર ચાલે છે.
મહિલાઓએ નિડરતાપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરવો જોઇએઃ ઉષા
ઉષા ચૌમાર તમામ મહિલાઓને સ્પષ્ટ તથા જોશપૂર્વક સંદેશો આપે છે કે, આપણા સમાજમાં સ્ત્રીને નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. આવી સ્થિતિમાં સ્ત્રીએ લડત આપવી જરૂરી છે. ઉષા કહે છે કે, મહિલાઓએ તેમની સામે રહેલી સમસ્યાઓથી નાસીપાસ થઇ જવાને બદલે કે તેનાથી ભય અનુભવવાને બદલે નિડરતાથી તેમનો સામનો કરવો જોઇએ.