રવિવારે વિશ્વભરમાં 'ફાધર્સ ડે' ની ઊજવણી કરવામાં આવશે. આમ તો પિતા માટે કોઇ ખાસ દિવસની જરૂર નથી. પરંતુ આજના દિવસે પિતાના યોગદાનને સમજવા અને સન્માન આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જેથી પિતાના મહત્વને લોકો સારી રીતે સમજે, જાણે અને તેમની સખ્તાઇની પાછળ રહેલી લાગણીને અનુભવી શકે.
પિતા હંમેશા પોતાની ખુશી બાજુ પર મૂકી બાળકોની જવાબદારી ખૂબ સારી રીતે અદા કરે છે. પિતા પોતાના પરિવાર વિશે પહેલા વિચારે પછી પોતાના વિશે. પિતાનું કામ સ્ટેજ પાછળના કલાકરા જેવું હોય છે.જેના મહત્વ અને મહેનત વિશે લોકો અજાણ રહે છે. સામાન્ય રીતે લોકોને નાટકમાં સ્ટેજ પર કામ કરતા કલાકારનું મહત્વ તેમજ મહેનત દેખાતી હોય છે. જ્યારે વાસ્તવમાં સ્ટેજ પાછળ કામ કરતા લોકોનું મહત્વ હકીકતમાં વધારે હોય છે. તેવી જ રીતે આપણા જીવનમાં પિતાનું મહત્વ કંઇક એવી જ રીતે રહેલું છે કે, પડદા પાછળનો કલાકાર તરીકે.
પિતાની ફટકાર પાછળ પણ તેમની ચિંતા અને પ્રેમ છુપાયેલા હોય છે. જે ઘણા ઓછા બાળકો સમજી શકતા હોય છે. બાળકોની હંમેશા ફરિયાદ રહે છે કે, પિતા એમને સમજતા નથી. મા પોતાનો પ્રેમ સહેલાઇથી બાળકો સામે દર્શાવે છે. જ્યારે પિતા પોતાની ફરજ થકી પ્રેમ વ્યક્ત કરે છે. જે કોઇને સમજાતું નથી. પણ આ એક દિવસ છે, જેમાં બાળકો પિતાને તેમના અખૂટ પ્રેમ સામે પોતાની લાગણી વ્યક્ત કરે છે.
પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પિતા હંમેશા પોતાની જરૂરિયાતને નજરઅંદાજ કરે છે. બાળકોની નાનામાં નાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે પિતા સતત મંથતા રહે છે. બાળક માટે એવું તે શું કરું ? જેથી તેના ચહેરા પર ખુશી રહે. હમેશાં આ વિચાર સાથે બાળકો માટે પોતાના સપના મારી પિતા જીવતા હોય છે. બદલામાં બાળક પાસેથી માત્ર પ્રેમ જ ઝંખે છે.
આમ તો, આ મધર્સ ડે, ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિના છે. જેની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. પિતા પ્રત્યેની લાગણી દર્શાવવા માટે કોઇ નિશ્ચિત દિવસ કે સમયની જરૂર હોતી નથી. પણ કોઇ તક મળે તો જતી ના કરવી જોઇએ. પછી ભલે એ ફાધર્સ ડેના રૂપમાં કેમ ના હોય.