નવી દિલ્હીઃ વડા પ્રધાનના આવાસ પર બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ત્રણ નિર્ણય ખેતી માટે છે અને ત્રણ નિર્ણય અન્ય માટે છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે બાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી આપી હતી.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ બેઠકમાં અતિઆવશ્યક વસ્તુ કાયદામાં ખેડૂતના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે. આજે કૃષિ પેદાશોની વિપુલતા છે, તેથી આવા પ્રતિબંધો સાથે કાયદાની જરૂર ન હતી.
તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ કરવાની મંજૂરી આપી છે.
જાવડેકરે જણાવ્યું કે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટીના બંધનથી ખેડૂત આઝાદ થયા છે. ખેડૂતોને ક્યાંય પણ ઉત્પાદન વેચવા અને વધુ ભાવ આપનારાને વેચવાની આઝાદી મળી છે. વન નેશન વન માર્કેટની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.
કેબિનેટે ભારતમાં રોકાણને આકર્ષિત કરવા માટે મંત્રાલયો અને વિભાગોમાં સચિવોનો એક સમૂહ અને પરિયોજના વિકાસ પ્રકોષ્ઠો (પીડીસી)ની સ્થાપનાને મંજૂરી આપી છે.
આ ક્રમમાં ફાર્માકોપિયા કમીશનની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયુષ મંત્રાલયની ગાઝિયાબાદની બે પ્રયોગશાળા પણ તેની સાથે મર્જર થઇ રહી છે. આ અન્ય દવાઓના સ્ટેન્ડર્ડાઇઝેશનને સુનિશ્ચિત કરશે.