બાળ ઠાકરેએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કટોકટીને ટેકો આપ્યાના દાયકાઓ બાદ, મહારાષ્ટ્રમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. કારણ કે, સોનિયા ગાંધીએ આ પશ્ચિમી રાજ્યમાં શિવસેના-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ-કૉંગ્રેસ પક્ષની સરકારને ટેકો આપવા હા ભણી દીધી છે.
ઇતિહાસ જાણનારાને યાદ હશે કે, 1975માં પૂર્વ વડાપ્રધાન શિવસેના પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં હતાં. પરંતુ ઉક્ત વિવાદાસ્પદ પગલાં અંગે સાનુકૂળ અવાજ ઉઠાવતાં, બાળ ઠાકરે સાથેની બેઠક પછી ઈન્દિરાજીનું મન બદલાઈ ગયું હતું.
2019માં પાછા આવી જાવ. કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરૂઆતમાં NCPના વડા શરદ પવારના સૂચન પર વિચારધારાની રીતે કજોડું લાગે તેવી શિવસેનાને ટેકો આપવાના વિચારને ફગાવી દીધો હતો. પરંતુ બાદમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમને ફોન કર્યો અને તેમના આશીર્વાદ માગ્યા ત્યારે એવો મત અપનાવ્યો હતો ,કે અતિ જૂના એવા કોંગ્રેસ પક્ષે આ તકને ગુમાવી ન જોઈએ અને ભાજપને સત્તાની બહાર રાખવા માટે આ જોડાણ કરવું જોઈએ.
શરદ પવારની રમતોને જોઈ રહેલા ભાજપ તરફથી ઉન્મુક્ત પ્રતિક્રિયાઓ આવી રહી હતી, ત્યારે ઠરેલી બુદ્ધિવાળાં રાજકારણી સોનિયા ગાંધીએ એઆઈસીસીના રણનીતિકારો અને રાજ્યના એકમોના વડાઓનાં આ સૂચિત જોડાણ અંગે અલગ-અલગ મંતવ્યો સાંભળ્યાં અને છેવટે આ જોડાણમાં જવાનું નક્કી કર્યું. જોકે, આ નિર્ણય તેમણે તેમના નિકટના સાથીઓ અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગેએ NCP અને શિવસેનાના નેતાઓ સાથે મંત્રણા કરીને અંતિમ રૂપરેખા તૈયાર કરી પછી જ લીધો હતો.
ગત સપ્તાહે ભાજપ સાથે છેડો ફાડ્યો ત્યાં સુધી જે શિવસેનાને ભાજપ સાથે દાયકાઓ જૂનું ગઠબંધન હતું, તે શિવસેના સાથે હાથ મિલાવવા મુદ્દે કોંગ્રેસના આંતરિક સૂત્રો દાવા સાથે કહે છે કે, (કોંગ્રેસનું શિવસેના સાથેનું) આ જોડાણ અસ્થિર છે. અને તે રાજકીય જોખમ વગર નથી. કારણ કે, બંને જમણેરી પક્ષો ગત ચૂંટણી હિન્દુત્વના મુદ્દા પર લડ્યા હતા. જે કોંગ્રેસ-એનસીપી માટે સ્પષ્ટ વિરૂદ્ધનો છે.
નવી દિલ્હી અને મુંબઈમાં તાજા ઘટનાક્રમનાં જાણકાર લોકો કહે છે કે, શિવસેના ભાજપથી અલગ થવા મક્કમ છે, તેવું દર્શાવવા તેના પ્રતિનિધિ અરવિંદ સાવંત કેન્દ્રીય પ્રધાન મંડળમાંથી નીકળી ગયા. પછી ભાજપ સામે શિવસેનાનાં આકરાં વલણો અંગેની કોંગ્રેસ-એનસીપીની આશંકાઓ દૂર થઈ અને યુતિની રચના પર વધુ નક્કર ચર્ચા શક્ય બની.
કોંગ્રેસમાંથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી મોરચો બનાવવા માટેના પ્રયાસોમાં શરદ પવાર મુખ્ય રણનીતિકાર હતા, પરંતુ સોનિયા ગાંધી શિવસેના પાસેથી લઘુતમ સામાન્ય કાર્યક્રમ (સીએમપી)ના રૂપમાં સ્પષ્ટ વચનબદ્ધતા ઈચ્છતા હતા. જે યુતિ સરકારની અંતિમ રૂપ રેખા રહેશે. અને જેનાથી અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકારે અને રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી સરકારે સમાવેશી વિકાસનો પથ અપનાવ્યો હતો, તેના પર શિવસેના પણ ચાલે. યુતિના ભાગીદારો વચ્ચે ખાતાઓની વહેંચણી પણ ચોક્કસ હોવી જોઈએ.
વર્ષ 2012માં તેના સાથી ભાજપની ઈચ્છા વિરુદ્ધ શિવસેનાએ યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવ મુખર્જીને સમર્થન આપ્યું હોવા છતાં, સોનિયા ગાંધી અને શરદ પવાર બંને જણાં, ઠાકરે પરિવાર સાથે સરકાર રચવા પર ચર્ચામાં ખૂબ જ સાવધ હતાં.
જેનાં કારણો સમજવાં અઘરાં નથી. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર થવા અંગે શિવસેના ભારે ઉત્સાહિત હતી. અને અયોધ્યામાં રામ મંદિર મુદ્દે ભાજપના એજન્ડાને તેમજ પાકિસ્તાન વિરૂદ્ધના ભાજપના વલણને સમર્થન આપી રહીં હતી. તેણે ભૂતકાળમાં ઉત્તર ભારતીયો વિરૂદ્ધ વ્યાપક અભિયાન પણ શરૂ કર્યું હતું. કોંગ્રેસનાં પાસેથી મળેલી માહિતીમાં આ મુદ્દાઓ આગળ આવ્યા હતા.
જેમ સોનિયા ગાંધીએ એનસીપીના વડા મહત્ત્વનો કૃષિ ખાતાનો પદભાર સંભાળતા હતા ત્યારે યુપીએના દિવસોમાં પણ કર્યું હતું, તેમ આ પ્રકરણમાં પણ સોનિયાએ શરદ પવારની સલાહ માની છે, પરંતુ કોંગ્રેસમાંથી મળતી માહિતી કહે છે કે, સોનિયા ભૂલ્યાં નથી કે આ મરાઠા કદાવર નેતા ચાલાક રાજકારણી છે અને જ્યારે વર્ષો પહેલાં સોનિયા વર્ષો જૂના આ પક્ષની ધૂરા સંભાળવાનાં હતાં, ત્યારે તેઓ અલગ પડ્યા હતા. સોનિયાને એ હકીકતની પણ જાણ છે કે, તેમના સ્વર્ગસ્થ પતિ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ આ મરાઠા રાજકારણીથી હંમેશાં સાવધ રહેતા હતા. કારણ કે, ત્યારે પણ શરદ પવારના ઠાકરે પરિવાર સાથે સંબંધો સારા રહેતા હતા.
જોકે, કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષને એ વાત ગળે ઉતરી ગઈ છે કે, મહારાષ્ટ્રમાં આક્રમક ભાજપને સત્તાથી દૂર રાખવા શરદ પવાર પર જુગાર ખેલવો શ્રેષ્ઠ રહેશે.
ભાજપ ધૂંધવાય તેવા અન્ય એક ઘટનાક્રમમાં, આ ત્રણ પક્ષોએ તેમનો દાવો રજૂ કરવા અને તેમની પાસે રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહેલા આ રાજ્યમાં સરકાર રચવા પૂરતું સંખ્યાબળ છે, તે દર્શાવવા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીનો સમય માગ્યો છે. 288ની સંખ્યાના ગૃહમાં, શિવસેનાના 56 ધારાસભ્યો છે, એનસીપીના 54 અને કોંગ્રસના 44 છે. આમ, તેમની કુલ સંખ્યા 154 થાય છે, જે સરકાર રચવા બહુમતી માટેની અડધી સંખ્યા 145થી વધી જાય છે. સત્તા વહેંચણીની ફરતી રહેતી પ્રણાલિમાં મુખ્યપ્રધાનનું પદ તેમના પક્ષને મળશે તેવું લેખિત વચન માગવા પર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અડગ રહ્યા પછી 105 ધારાસભ્યો સાથે ભારતીય જનતા પક્ષ સરકાર રચવા માટે જરૂરી સંખ્યા મેળવી શક્યો નહોતો.
યુતિના ભાગીદારો દાવો કરે છે કે, તેઓ પાંચ વર્ષની પૂર્ણ અવધિ સુધી સાથે જ રહેશે. તેમ છતાં આ પશ્ચિમી રાજ્યમાં રાજકીય જગ્યા મેળવવા માટે દરેક દ્વારા ધક્કામુક્કી થવાની જ છે. પ્રાદેશિક સત્તા મેળવવા માટે પોતાના દાયકાઓ જૂના સાથી ભાજપને સરળતાથી હડસેલી દેનાર શિવસેના તેના નવા શોધેલા યુતિ ધર્મને કઈ રીતે નિભાવે છે તે જોવું રહ્યું.
અમિત અગ્નિહોત્રી