મહારાષ્ટ્ર/નાશિક : મહારાષ્ટ્રના નાશિક પાસે એક મુસાફરોથી ખચોખચ ભરેલી બસ કૂવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના માલેગાંમ-દેઓલા રોડ પર મંગળવાર સાંજે 4 વાગ્યે બની હતી.
મળતી માહિતી મુજબ, 50 મુસાફરોથી ભરાયેલી આ બસ નાશિકથી ધુળે તરફ જઈ રહી હતી. તે દરમિયાન બસની સામે અચાનક એક ઓટો રીક્ષા આવી ગઈ અને તેને બચાવવાના પ્રયત્નમાં ડ્રાઇવરે બસ પરનું નિયંત્રણ ગુમાવ્યું અને બસ રોડના કિનારે બનેલા કૂવામાં ખાબકી હતી.
આ દુર્ઘટના બાદ ચીસો સાંભળીને રસ્તા પર જતા અને આસપાસમાં રહેતા લોકો મદદ માટે આવ્યા અને તેમણે દોરડાથી મુસાફરોને કાઢવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અત્યાર સુધી 20 લોકોના મૃત્તદેહ કૂવામાંથી બહર કાઢવામાં આવ્યાં છે. આ ઘટનાની માહિતી મળ્યાં બાદ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી બચાવ અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ ત્યાં સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા હતા. બચાવ દળે બાકી ગંભીર ઘાયકોને કૂવામાંથી બહાર કાઢ્યા અને માલેગાંવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. પોલીસ ઓફિસર પ્રમાણે હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
આ ઘટના અંગે રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબે કહ્યું કે, અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 10 લાખની સહાય કરવામાં આવશે, જ્યારે ઘાયલોની મુફ્ત સારવાર કરવામાં આવશે.