નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ ચીન સાથે સરહદ વિવાદના મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. બસપાના વડાએ સ્પષ્ટ કહ્યું કે, અમે ચીનના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે છીએ. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું નામ લીધુ ન હતું, પરંતુ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો ચીનના મુદ્દા પર મૂર્ખપૂર્ણ વાતો કરી રહ્યાં છે.
માયાવતીએ લાંબા સમય પછી એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરી હતી. ચીની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે બસપાના વડા માયાવતીએ સોમવારે કહ્યું હતું કે, અમે ચીન મુદ્દે ભાજપ સરકારની સાથે ઉભા છીએ. કોંગ્રેસના લોકો મૂર્ખ વાતો કરે છે. પરસ્પર વિવાદથી ચીનને ફાયદો થશે. માયાવતીએ કહ્યું કે, અમે હંમેશાં પાર્ટીના રાજકારણથી ઉપર ઉઠતા રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે.
બીએસપી ચીનના મુદ્દે ભાજપ સરકારની સાથે છે. માયાવતીએ કહ્યું કે, ચીનના મુદ્દાને લઈને દેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે ઘૃણાસ્પદ રાજકારણ કરવામાં આવી રહ્યું છે તે હાલમાં યોગ્ય નથી. પરસ્પરની લડતના કારણે હવે દેશની જનતા સૌથી વધુ મુશ્કેલી ભોગવી રહી છે. આ લડતમાં દેશ હિતના મુદ્દાઓ દબાવવામાં આવી રહ્યાં છે.
માયાવતીએ કહ્યું કે, દેશમાં બહુજન સમાજ પાર્ટીનો જન્મ કોંગ્રેસની ખોટી નીતિઓને કારણે થયો છે. બસપાના વડા માયાવતીએ કહ્યું કે, કેટલીકવાર કોંગ્રેસ કહે છે કે બસપા ભાજપના હાથનું રમકડું છે. કેટલીકવાર ભાજપ કહે છે કે, બસપા કોંગ્રેસના હાથનું રમકડું છે. તેમને ખબર નથી કે, બંને પક્ષો રાજકારણ કરી રહ્યા છે. અમે દેશના હિતમાં કામ કરનારાઓની સાથે છીએ.