બાડમેરઃ રાજસ્થાનમાં બાજમેર જિલ્લાને લાગતી ભારત-પાક આંતરરાષ્ટ્રીય સીમા પર નકલી નોટ પકડાયા બાદ BSFના જવાન પુરી રીતે એલર્ટ થયા છે. જવાનોએ શુક્રવારે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરતા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ સમગ્ર મામલે બાડમેરના એસપી આનંદ શર્માએ પુષ્ટિ કરી છે.
શુક્રવારે મોડી રાત્રે બાડમેરના બાખસર સાથે લાગતી ભારત-પાક આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી એક વ્યક્તિએ તારબંદી પર ચઢીને સીમા પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સીમા સુરક્ષા બળના જવાનોએ ત્રણ વખત તેને ચેલેન્જ કર્યો, તેમ છતાં ઘુસણખોર અટકાયો નહીં, એવામાં બીએસએફના જવાનોએ તેના પર ફાયરિંગ કરીને ઠાર માર્યો હતો.
આ ઘટના શુક્રવારે મોડી રાત્રે થઇ હતી. આ ઘટના બાદ સવારથી જ સીમા સુરક્ષાબળના અધિકારી અને પોલીસના અધિકારી આંતરરાષ્ટ્રીય સીમા પર પહોંચી છે. મહત્વનું છે કે, 3 દિવસ પહેલા જ આ બોર્ડરથી 4 ચોરની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસે લગભગ 6 લાખથી પણ વધુની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ નકલી નોટ પાકિસ્તાનથી ભારતીય અર્થ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે મોકલવામાં આવ્યા હતા. આ વાતનો ખુલાસો કરતા બાડમેર પોલીસે શુક્રવારે મોડી સાંજે કર્યો હતો, પરંતુ જે રીતે અચાનક ઘૂસણખોર બોર્ડર પર આવ્યો તેને ભારતીય ખુફિયા અને સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી છે.