ભારતે કાબુલ દુર્ઘટનાની ટીકા કરી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે. જ્યારે ઘાયલો માટે જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. વિદેશ મંત્રાલયમાંથી જાહેર થયેલા નિવેદન મુજબ ભારતે આ આતંકી હુમલાને અંજામ આપનાર લોકો પર કડક કાનુની કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન સમારોહ દરમિયાન શનિવારે રાત્રે હુમલાખોર દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં 63 લોકોના મોત થયા હતાં, જ્યારે 180 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોરે આ બોમ્બ બ્લાસ્ટમાં પોતાને પણ ઉડાવી દીધો છે.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ શનિવારે રાત્રે 10.40 કલાકે થયો હતો. જેમાં કેટલાય લોકોના મોત થયા છે, જ્યારે 180 કરતા વધારે લોકો ઘાયલ છે. ઘાયલોમાં મહિલાોઓ અને બાળકોની સંખ્યા વધારે છે.