ઉપાય: તમારા પિતાજીને પલ્મૉનરી થ્રૉમબોએમ્બૉલિઝમ (PE)ની સમસ્યા છે. જોકે તે ફેફસાંની સમસ્યા લાગે છે, પરંતુ એ નોંધવું જોઈએ કે તે પગની નસોમાં ઉદ્ભવે છે. માનવ શરીરમાં, શિરા દ્વારા અશુદ્ધ લોહી શરીરમાં પહોંચે છે અને તે પછી ફેફસામાં પહોંચે છે. આવા લોહીને ઑક્સિજન મળે છે અને તે પછી તે ફરી પાછું હૃદયમાં જાય છે અને પછી ધમનીઓ દ્વારા શરીરના અલગ-અલગ ભાગમાં જાય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ કેટલાક લોકોના પગની પીંડી અને જાંઘોમાં નાનાનાના ગઠ્ઠા થઈ જાય છે. તેનાથી રક્તસંચાર ધીમો પડે છે, લોહીની નસોની દીવાલોને નુકસાન થાય છે, લોહી જાડું થાય છે. જે લોકો હાથ અને પગની કોઈ હલચલ વગર કલાકો સુધી સતત બેસી રહે છે તેમને આ સમસ્યા થવાની સંભાવના રહેલી છે.
કેટલીક વખત પગની નસોમાં થયેલા ગાંઠા સ્થાનાંતર થઈ જાય છે અને ખસી જાય છે અને તે ફેફસાંની નસોમાં જામી જાય છે. આનાથી ફેફસાંની ક્ષમતાને અસર પહોંચે છે. લોહી પૂરતો ઑક્સિજન મેળવ્યા વગર હૃદયમાં પાછું ફરે છે. લોહીમાં પૂરતો ઑક્સિજન ન હોવાથી શ્વાસોચ્છવાસની તકલીફ ઊભી થાય છે. ફેફસાં સંકોચાય છે અને છાતીમાં દુઃખાવો પણ ઊભો થઈ શકે છે. જો લોહીમાં ગઠ્ઠાની શંકા લાગે ડી-ડાઇમર નામનો ટેસ્ટ કરાવાય છે. જો કોઈ ગઠ્ઠા હશે તો ડૉક્ટર અંદાજે જાણી લેશે. જો નાનાનાના ગઠ્ઠાની શંકા હોય તો ફેફસાંનો એન્જિયોગ્રામ કરાવાય છે.
જો સમસ્યાની પુષ્ટિ થાય તો હેપરિન (પૉર્સાઇન) નામની દવા સેલાઇનમાં ભેળવીને લાંબા સમય સુધી અપાય છે. તે પછી ગાંઠા ઓગળી જશે. હેપરિન (પૉર્સાઇન) ઇન્જેક્શન ૨૪ કલાક સુધી કામ કરે છે અને આજકાલ પ્રાપ્ય પણ છે. સમસ્યાની તીવ્રતા ઘટ્યા પછી, હેપરિન ટેબલેટ અપાય છે. તેનો ઉપયોગ છ મહિના સુધી કરવો જોઈએ. જો સમસ્યા ગંભીર હોય અને શ્વાસ લેવાનું મુશ્કેલ બને તો એન્જિયૉપ્લાસ્ટી કરાવવી પડે છે. આમાં, જાંઘના સ્નાયુ દ્વારા એક નાનકડી નળી દાખલ કરવામાં આવે છે અને તે ગાંઠા સુધી પહોંચે છે અને પછી એન્ઝાઇમ ઇન્જેક્શન અપાય છે. ગઠ્ઠો છૂટો પડે છે.
જો તમારા પિતાજી હેપરિન ટેબલેટ લઈ રહ્યા હોય તો તેમની સારી કાળજી લેવી જોઈએ. જો માત્રા વધારાય તો નાનકડી ઈજા થાય તો પણ રક્તસ્ત્રાવ થઈ શકે છે. આથી જ ડૉક્ટરો વારંવાર ટેસ્ટ કરાવે છે અને માત્રાની ખાતરી કરે છે. જો પગની નસોમાં ગઠ્ઠા ન થવા દેવા હોય તો નિયમિત કસરત કરવી જોઈએ. જે લોકો કાર અને વિમાનોમાં મુસાફરી કરે છે, તેમણે વચ્ચે વચ્ચે ઊભા થઈ અહીંથી ત્યાં ચાલવું જોઈએ. જાંઘ અને પીંડી પર દબાણ ન આવે તેની કાળજી લેવી જોઈએ.
(ડૉ. આર. વિજયકુમાર, લેખક- વરિષ્ઠ પલ્મૉનૉલૉજિસ્ટ છે.)