જનસંબોધન દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક જીત છે. 50 વર્ષમાં કોઇ પાર્ટીને પૂર્ણ બહુમતીથી સાથે સરકાર ચલાવવાનો મોકો મળ્યો છે. અમે 50 ટકાની લડાઇ લડી છે અમને 17 રાજ્યોમાં 50 ટકાથી પણ વધારે વોટ મેળવવામાં સફળ રહ્યાં છે. જનતાએ એક તરફ પ્રચંડ બહુમત આપ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસને કારમી હાર મળી છે. તેમણે રાજ્યોના નામ ગણાવતા કહ્યું કે, કોંગ્રેસ 17 રાજ્યોમાં પોતાનું ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ ગઈ છે. આ વિજયમાંથી એક વાત એ પણ સાબિત થઈ છે કે, 50 વર્ષ સુધી પરિવારવાદના જોર પર રાજકારણ કર્યુ છે. પરંતુ અમારી પાર્ટીએ તેનાથી વિરુધ્ધ જઈ કામ કર્યુ અને દેશની પ્રજાએ અમને સમર્થન આપ્યું.
શાહે જણાવ્યું કે, યુપીમાં સપા-બસપા ગઠબંધન પર પ્રશ્ન થતો હતો કે શું થશે. પરંતુ પ્રજાએ 60 સીટો પર વિજય આપીને પરિવારવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. શાહે કહ્યું કે, બે દિવસ પહેલા એક્ઝિટ પોલના પરિણામ જોઇને 21 પરિવારવાદી પક્ષોએ આખી દિલ્હીને માથા પર ચઢાવ્યું હતું. પરંતુ જ્યારે જનાદેશ આવ્યો તો એક્ઝિટ પોલથી પણ વધારે બેઠકો મળી છે.
ચંદ્રબાબુ નાયડુ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, જો તેમણે આટલો પરિશ્રમ મત મેળવવામાં કર્યો હતો તો કદાચ તેમનું ખાતું ખુલી ગયું હોત. તેમણે વિધાનસભામાં વિજય મેળવવા બદલ જગનમોહન રેડ્ડીને શુભેચ્છા પાઠવી ઉપરાંત નવીન પટનાયકને પણ વિજય માટે શુભકામનાઓ આપી. સિક્કીમના મુખ્યમંત્રીને પણ વિજય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ અરુણાચલ પ્રદેશમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનતા તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.