ચૂંટણી પંચના અંતિમ આંકડામાં 90 સભ્યો વાળી વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી છે અને તેમને 6 ધારાસભ્યોનું સમર્થન જોઈએ, ભાજપ આ 6 ધારાસભ્યોની શોધમાં લાગી ગઈ છે. આ બાબતે મોડી રાત સુધી અમિત શાહના ધર પર ભાજપની બેઠક થઈ. આ બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડા અને હરિયાણા ભાજપના પ્રભારી અનિલ જૈન તથા બી.એલ સંતોષ પણ હાજર હતા.
હરિયાણા લોકહિત પાર્ટીના ધારસભ્ય ગોપાલ કાંડા, રાનિયાંથી અપક્ષ ધારસભ્ય રણજીતસિંહ ચૌટાલા અને સિરસાના ભાજપ સાંસદ સુનીતા દુગ્ગલ ગુરૂવારે ચંડીગઢથી દિલ્લી રવાના થયા હતા. આ ત્રણેયએ પહેલા હરિયાણા ભાજપના પ્રભારી અને ભાજપ મહાસચિવ અનિલ જૈન સાથે મુલાકાત કરી અને મોડી રાત્રે જેપી નડ્ડાને તેમના ઘરે મળ્યા હતા.
આ મુલાકાતમાં હરિયાણાની ગાદી પર બિરાજવાના અનેક રસ્તાઓ અંગે લાંબી ચર્ચા થઈ, બાદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘરે જેપી નડ્ડા, અનિલ જૈન અને બી.એલ સંતોષે તમામ સ્થિતિ અંગે સમીક્ષા કરી.
જનનાયક જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમીક્ષા બેઠક આજે 11 વાગ્યે છે. પાર્ટી અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, આ બેઠકમાં બધાનો મત જાણ્યા બાદ પક્ષ અંતિમ નિર્ણય કરશે. બીજીતરફ ભાજપને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળી જાય તો દુષ્યંત ચૌટાલાનું કિંગમેકર બનવાનું સપનુ અધુરું રહી જાય તેમ છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર આજે રાજ્યપાલને મળશે અને પોતાનું રાજીનામું સોંપશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.