નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે પક્ષના ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની રવિવારે બેઠક યોજાઇ હતી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને પાર્ટીના અન્ય નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. શરૂઆતમાં, ગૃહપ્રધાન અમિત શાહ અને નડ્ડા સહિતના ભાજપના નેતાઓએ બિહાર રાજ્યની રાજકીય પરિસ્થિતિને લઈને લાંબી ચર્ચાઓ કરી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે ભાજપે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની પહેલી બેઠકમાં તેના કોટાની 121 બેઠક પર ઉમેદવારોના નામ પર વિચારણા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 90 ટકા બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી થયા છે. પાર્ટી આજે ઉમેદવારોની પહેલી સૂચિ અને જેડીયુ સાથેનું તેનું ગઠબંધન પરની સ્પષ્ટતા કરશે.
પાર્ટી મુખ્યાલયમાં લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં પાર્ટીએ લગભગ 100 બેઠકો માટેના ઉમેદવારોના નામ અંગે નિર્ણય કર્યો છે. જે બેઠકો પર JDU સાથે વાતચીત ચાલી રહી છે તેના નામના નિર્ણય લેવામાં આવ્યા નથી. JDU પર જે બેઠકો પર વાતચીત થવાની છે તે સંબંધિત બેઠકો ત્રીજા તબક્કાની છે. પાર્ટી પ્રથમ તબક્કાની સાથે સાથે ત્રીજા તબક્કાની કેટલીક બેઠકોની જાહેરાત કરશે.
પાર્ટી આજે JDU સાથે પૂર્વ ચૂંટણી ગઠબંધન અને બંને પક્ષો વચ્ચે બેઠકોની સંખ્યા અંગેના કરારની પણ જાહેરાત કરશે. શનિવારે મોડી રાતની બેઠકમાં ભાજપે 121 અને JDUની 122 બેઠકો પર ચૂંટણી લડવા સહમત થયા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે JDU તેના કોટા સાથે ભાજપ અને લોજપાની જવાબદારી લેશે. જ્યારે લોજપાએ નીતીશના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની ના પાડી હતી.
ભાજપ આજે લોજપા પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. લોજપાએ સંસદ સભ્ય બોર્ડની બેઠક બાદ જ JDU વિરુદ્ધ ઉમેદવારો ઉભા કરવાનું અને ભાજપ સાથે સરકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.