નાચીયામ્માલ (90 વર્ષ) તરીકે ઓળખ ધરાવતી મહિલા જક્કામ્માનાયકાનપટ્ટી ગામમાં બક્થાસેવા સ્ટ્રીટની રહેવાસી હતી. તે તેના ઘરની બહાર ઊંઘી રહી હતી, ત્યારે એક તદ્દન નગ્ન યુવાન વૃદ્ધાની ઉપર ચઢી ગયો હતો અને તેણે વૃદ્ધાના ગળે બચકું ભર્યું હતું.
વૃદ્ધાએ ગભરાઇ જઇને રડારોળ કરી મૂકતાં પાડોશીએ તેને હિંસક યુવાનથી બચાવી લીધી હતી. તેઓ તેને બોડી ખાતેની સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા અને પછીથી આગળની સારવાર માટે તેને થેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ દરમિયાન, ગામમાં ફરીને આતંક મચાવી રહેલા તે યુવકને સ્થાનિક રહેવાસીઓએ પકડી લીધો હતો. ગામના લોકોએ તેને બાંધી દીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
પછીથી પોલીસે તે યુવાનની ઓળખ સ્થાનિક રહેવાસી તરીકે કરી હતી, જે શ્રીલંકામાં ટેક્સટાઇલનો વ્યવસાય ધરાવે છે.
એક સિનિયર પોલીસ અધિકારીએ ઇટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “કોવિડ-19 ફેલાયો, તેને પગલે યુવક પંદરેક દિવસ અગાઉ તેના વતનમાં પરતફર્યો હતો. તેની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે જાણકારી મેળવનારા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેને હોમ ક્વોરન્ટાઇનમાં રાખ્યો હતો. શુક્રવારે સાંજે તે ઘરેથી બહાર નીકળી ગયો હતો અને વયોવૃદ્ધ મહિલાને બચકું ભર્યું, ત્યાર બાદ પકડાયો હતો.”
પ્રાથમિક તપાસના આધારે માલૂમ પડ્યું છે કે, યુવક આઇસોલેશનમાં રહેવાને કારણે ડિપ્રેશનમાં આવી ગયો હતો. "તેણે તેનાં વસ્ત્રો નિકાળી દીધાં અને તેના ક્વોરન્ટાઇન કરાયેલા ઘરમાંથી ભાગી છૂટ્યો હતો. અમે એ શોધી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, તે નિર્ભરતા સંબંધિત કોઇ સમસ્યા ધરાવતો હતો કે કેમ," તેમ તપાસ કરી રહેલા અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.