બેલ્લારી,કર્ણાટક: બેંગલુરુમાં પુલિકેશી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યના ઘર પર થયેલા હુમલાના અંદાજિત 89 આરોપીઓને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યા છે. આ સાથે કે.જી.હલ્લીના કોર્પોરેટર ઇર્શાદ બેગમના પતિ કલીમ પાશાની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને પોલીસ સુરક્ષા દળ સાથે KSRTCની બસો દ્વારા લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને બેલ્લારી સેન્ટ્રલ જેલમાં લાવ્યા પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ આવ્યા પછી જ આરોપીઓને બેલ્લારી લાવવામાં આવ્યા છે.
એક રાજનેતાના સંબંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વાંધાજનક મેસેજને લઈને પૂર્વી બેંગલુરુમાં મંગળવારે હિંસક વિરોધ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના ઘરની બહાર હિંસક ટોળા એકઠા થયા હતા અને સોશિયલ મીડિયામાં થયેલી પોસ્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગજની કરવામાં આવી હતી. લોકો શ્રીનિવાસ મૂર્તિના સંબંધી નવીનની ધરપકડની માંગ કરી રહ્યાં હતા. લોકોએ ડી.જે.હલ્લી, કે.જી.હલ્લી અને પુલિકેશી નગરમાં વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. 100થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા છે. 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પુલિકેશી નગરના ધારાસભ્ય મૂર્તિએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ભીડનો વિરોધ રોકવા કહ્યું હતું. વીડિયોમાં મૂર્તિએ અપીલ કરતાં કહ્યું હતું કે, 'કૃપા કરીને બદમાશોના વાંધાજનક કૃત્યનો વિરોધ કરવા હિંસાનો સહારો ના લો.' શહેરના કે.જી.હલ્લી પોલીસ સ્ટેશનની સામે પણ એક વિશાળ ટોળું દેખાયું હતો. અન્ય હિંસક ટોળાએ ડી.જે.હલ્લી પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કેટલાક વાહનો અને ફર્નિચરમાં તોડફોડ કરી હતી. કેટલાક પોલીસ જવાનો પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી.
આ હિંસામાં આશરે 50 પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. વિરોધ કરી રહેલા ટોળાએ પુલિકેશી નગરના ધારાસભ્ય અખંડ શ્રીનિવાસ મૂર્તિના નિવાસસ્થાન અને ડીજે હલ્લી પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. ઘટના સમયે ધારાસભ્ય તેમના ઘરે ન હતા. તેમના ઘરને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. તેમાં રાખેલી સાડીઓ, ઝવેરાત લૂંટી લેવામાં આવ્યા હતા. વાહનો સહિતના આખા ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.