દર વર્ષે બજેટને અંતિમ રૂપ આપ્યા પછીના કેટલાક દિવસો પહેલા નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયની ઓફિસમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે. નાણાપ્રધાન પોતે કાર્યક્રમમાં ભાગ લે છે, હલવો બનાવવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવે છે. તેની પાછળનું કારણ એવું છે કે, હલવો બનાવવો તે શુભ મનાય છે અને શુભ કામની શરૂઆત મીઠું ખાઈને કરવામાં આવે છે.

બજેટના તમામ ડોક્યુમેન્ટ પસંદગીના અધિકારીઓ તૈયાર કરે છે. આ પ્રક્રિયામાં ઉપયોગ થનારા કોમ્પ્યુટરોને બીજા કોમ્પ્યુટરોની સાથે બીજા નેટવર્કથી ડીલિંક કરવામાં આવે છે. બજેટ પર કામ કરી રહેલા લગભગ 100 લોકોનો સ્ટાફ અંદાજે 2થી 3 સપ્તાહ સુધી નોર્થ બ્લોકની ઓફિસમાં રહે છે. એટલા દિવસ સુધી તેઓને બહાર નીકળવાની મંજૂરી મળતી નથી.

નોર્થ બ્લોકમાં બેઝમેન્ટ સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં બજેટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ લગભગ લોક કરી દેવામાં આવે છે. બજેટનું પ્રિન્ટિંગનું કામ પણ અહીંયા જ થાય છે. બજેટને સીક્રેટ રાખવા પાછળનો મકસદ એ છે કે, તેને લીક થતા બચાવવું. સંસદમાં બજેટ રજૂ થયા પછી અધિકારીઓ બહાર આવી શકશે.
