ન્યૂઝ ડેસ્ક: રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમમાં, પોસાય તેવા ભાવે સારી ગુણવત્તાનો ખોરાક પૂરતી માત્રામાં આપવાની જોગવાઈ દ્વારા પોષણક્ષમ ખાદ્ય સુરક્ષાની કલ્પના છે. જોકે સરકાર માને છે કે ખોરાકની ચોક્કસ માત્રા પૂરી પાડીને ખાદ્ય સુરક્ષા આપી શકાશે, પરંતુ હકીકત એ છે કે તે અન્ય ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તાની ઉપેક્ષા કરીને જાહેર આરોગ્યને અતિ જોખમમાં મૂકી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) છેલ્લાં કેટલાંક વર્ષોથી સમયે-સમયે ચેતવણી આપતી આવી છે કે ખાદ્ય તેલોમાં વપરાતાં સંતૃપ્ત ચરબીના ઘટકો (ટીએફએ), વનસ્પતિ અને કૃત્રિમ ઘીના લીધે વિશ્વ ભરમાં ૫.૪ લાખ મૃત્યુ થાય છે. વિશ્વના તમામ દેશોમાં વર્ષ ૨૦૨૩ સુધીમાં ટીએફએ પર પ્રતિબંધ મૂકવાનું આહ્વાન કરતાં, 'હૂ'એ ભારપૂર્વક કહ્યું છે કે શરીરમાં ખરાબ કૉલેસ્ટેરૉલના સંચય માટે અને સંચારની પ્રણાલિના અનુષંગિક રોગો માટે જવાબદાર છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ 'રિપ્લેસ' શીર્ષકવાળા છ મુદ્દાની કાર્ય યોજના સૂચવી છે. તેમાં ઔદ્યોગિક રીતે ઉત્પાદિત ચરબીનાં ઉત્પાદનોને વૈકલ્પિક અને વધુ આરોગ્યમય ઉત્પાદનો દ્વારાં બદલી નાખવાનું સૂચન કર્યું છે. વર્ષ ૨૦૧૮માં, કેન્દ્રએ આ ભલામણોને અનુસરવા તમામ સંબંધિતોને નિર્દેશો જાહેર કર્યા હતા.
તાજેતરના એક પગલામાં, ખાદ્ય સુરક્ષા સંસ્થાએ આ વર્ષે ટીએફએને ત્રણ ટકા સુધી મર્યાદિત કરવા આહ્વાન કર્યું છે અને આવતા વર્ષ સુધીમાં વધુ બે ટકા સુધી ઘટાડવા કહ્યું છે. વર્ષ ૨૦૧૧માં, સરકારે ખાદ્ય તેલો અને ચરબીવાળાં તત્ત્વોમાં ટીએફએની મર્યાદા ૧૦ ટકા નક્કી કરી હતી. વર્ષ ૨૦૧૫ સુધીમાં આ મર્યાદા પાંચ ટકા સુધી ઘટાડી દેવાઈ.
ટીએફએ પર મર્યાદાઓ મૂકનાર પ્રથમ દેશ ડેન્માર્ક હતો. પરિણામે, ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કૉઑપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી)ના અન્ય દેશોની સરખામણીએ, ડેન્માર્કમાં હૃદયરોગની સમસ્યાઓના લીધે થતી જાનહાનિ નાટકીય રીતે ઘટી ગઈ છે.
જ્યારે પરિસ્થિતિ તેના પર સંપૂર્ણ પ્રતિબંધની માગણી કરે છે ત્યારે સત્તાધીશો ટીએફએને તબક્કાવાર ઘટાડવાનાં પગલાં કેમ લઈ રહ્યા છે?
અભ્યાસો મુજબ, ભારતમાં વર્ષે ટીએફએ સંબંધિત ૭૭,૦૦૦ મૃત્યુ નોંધાય છે. ઉપભોક્તાની સંસ્થાઓ કહી-કહીને થાકી ગઈ છે કે હૃદયરોગની સમસ્યાઓ, બ્લડ પ્રૅશર, ડાયાબિટીસ અને સ્થૂળતા વગેરે થવા માટે ટીએફએ જવાબદાર છે. ભારત તો વિશ્વની ડાયાબિટીસ રાજધાની તરીકે કુખ્યાત થઈ પણ ચૂક્યું છે.
દેશનાં ૨૨ રાજ્યમાં તાજેતરમાં થયેલા એક આરોગ્યલક્ષી સર્વેક્ષણમાં જણાયું છે કે ૧૯ રાજ્યોમાં સ્થૂળ લોકોમાં પુરુષો મોટી સંખ્યામાં છે. અનેક રાજ્યોમાં મહિલાઓ પર સ્થૂળતાની રીતે તેમના પુરુષ ભાગીદારોથી કંઈ પાછળ નથી. કૉવિડ-૧૯ પહેલેથી રોગ ધરાવતા લોકો માટે બમણો જીવલેણ સાબિત થયો છે. આ હકીકતની પૃષ્ઠભૂમિમાં, સમયની માગણી જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપવાની છે.
ભારતમાં તો પોષણની પણ ઉણપ છે અને સ્થૂળતાની સમસ્યા પણ છે. આથી ભારતની સ્થિતિ દારુણ છે. ચેપ ફેલાય તેવા રોગો પણ છે અને અ-ચેપી રોગો પણ છે. આ પરિસ્થિતિમાં, ખાદ્ય સુરક્ષાનાં ધોરણો ઘણાં ઊંચાં હોવાં જોઈએ. દુર્ભાગ્યે, દેશમાં ૨૮.૫ ટકા ખાદ્ય ઉત્પાદનો કાં તો અત્યંત ખરાબ ગુણવત્તાનાં છે અથવા તો તેઓ સૂચિત ધોરણો ધરાવતાં નથી. નેશનલ ફૂડ સિક્યોરિટી ઑર્ગેનાઇઝેશને હાથ ધરેલા એક અભ્યાસમાં જણાયું છે કે આ બાબત ૩૯ ટકા દૂધ ઉત્પાદનોને પણ લાગુ પડે છે.
સંસદની એક પ્રવર સમતિએ વર્ષ ૨૦૧૮માં જાહેર કર્યું હતું કે ભેળસેળવાળા ખોરાકના કારણે આરોગ્યની સમસ્યાઓની સારવાર માટે દર વર્ષે લોકો રૂ. ૧.૭૮ લાખ કરોડ ખર્ચી રહ્યા છે. 'કૉવિડ-૧૯ સામે લડવા યોગ્ય આહાર લો' જેવું સૂત્ર આપવા ઉપરાંત ખાદ્ય ધોરણ સંગઠને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી. જોકે સંસ્થા માટે હવે સમય આવી ગયો છે કે તે તેના કામ કરવાના વલણમાં સંપૂર્ણ પરિવર્તન કરે. જ્યારે સંસ્થા આવતા વર્ષ સુધીમાં ટીએફએ પર પ્રતિબંધ મૂકીને જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે, માત્ર ત્યારે જ સ્વસ્થ ભારત આકાર લઈ શકશે.