નવી દિલ્હીઃ સેનાના અધિકારો અને જવાનો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટ આ અરજીની સુનાવણી આવતીકાલે એટલે કે 14 જુલાઈના રોજ કરશે.
આ અરજી સેનામાં સેવા આપતા અધિકારી દ્વારા કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ નીતિ બંધારણીય છે અને સેનાને તેને પાછો ખેંચવા માટે કહેવું જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું કે, વિદેશમાં રહેનારા પોતાના પરિવારના લોકો સાથે સોશિયલ મીડિયા વિના મળી શકે નહીં.
તે પોતાના ફેસબુક એકાઉન્ટ ભારતીય સેનાની માર્ગદર્શિકા મુજબ જવાબદારી સાથે ઉપયોગ કરે છે. તેમણે ક્યારેય પણ કોઈ ગોપનીય અને સંવેદનશીલ સૂચનાને સોશિયલ મીડિયામાં શેર કરી નથી.
બંધારણનું ઉલ્લંઘન
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સેનાની માર્ગદર્શિકા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. સેનાનો આદેશ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે બંધારણની કલમ 33 મુજબ ફક્ત સૈન્યના મૂળભૂત અધિકાર પર સંસદ જ નિર્ણય લઈ શકે છે અને સૈન્ય સંસદ નથી.