- રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશામાં ફટાકડા ઉપર પ્રતિબંધ
- કોરોના વાઈરસના કારણે 3 રાજ્યમાં ફટાકડા નહીં ફોડી શકાય
- ફટાકડાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડશેઃ સરકાર
- ફટાકડા અંગેના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજા મળશે
ન્યૂઝ ડેસ્કઃ રાજસ્થાનમાં સરકારે કોરોનાને ધ્યાનમાં રાખી આ વખતે ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. તેમ છતાં કોઈ ફટાકડાનું વેચાણ કરતા નજરે પડશે તો તેને દંડ થશે. આને લઈને રાજ્યની ગેહલોત સરકારે સૂચના પણ જાહેર કરી દીધી છે. ગૃહ વિભાગે જાહેર કરેલી સૂચના મુજબ, કોઈ પણ દુકાનદાર ગમે તે પ્રકારના ફટાકડાનું વેચાણ નહીં કરી શકે. આ સાથે જ કોઈ પણ વ્યક્તિ ફટાકડા ખરીદી પણ નહીં શકે. જો કોઈ વ્યક્તિ સૂચનાનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ થશે. ગૃહ વિભાગે રાજ્યમાં 31 ડિસેમ્બર સુધી આતશબાજી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારની દલીલ હતી કે, રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જો ફટાકડા ફોડવામાં આવશે તો તેના ધુમાડાથી કોરોનાના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે અને વાતાવરણ પણ પ્રદૂષિત થશે. રાજસ્થાન સરકારે રાજસ્થાન એપેડેમિક એક્ટ હેઠળ ફટાકડા વેચવા, ખરીદવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
ઓડિશામાં 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ
રાજસ્થાન સરકારની સાથે સાથે ઓડિશામાં પણ ફટાકડા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઓડિશા સરકારે નક્કી કર્યું છે કે 10થી 30 નવેમ્બર સુધી કોઈ પણ વેપારી ફટાકડાનું વેચાણ નહીં કરી શકે અને ન તો કોઈ વ્યક્તિ ખરીદી શકશે. સરકારે કહ્યું છે આ વખતે કોઈએ પણ ફટાકડા ફોડવા નહીં. આની પાછળનું કારણ કોરોના છે. મંગળવારે સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારે વધુમાં કહ્યું, રાજ્ય અત્યારે કોરોનાની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, આવામાં ફટાકડા ફોડવા કે વેચવા માટે પરવાનગી આપી શકાય નહી. ફટાકડાના પ્રદૂષણથી કોરોના દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અને જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને સજા મળશે.
ફટાકડા ફોડ્યા વિના દિવાળી ઊજવવા મહારાષ્ટ્ર સરકારની અપીલ
રાજસ્થાન અને ઓડિશામાં ફટાકડા પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર પણ આ દિશામાં વિચારી રહી છે. આ વખતે ફટાકડાનો ઉપયોગ કર્યા વગર દિવાળીની ઉજવણી કરવા મહારાષ્ટ્ર સરકારે લોકોને અપીલ કરી છે. કોરોનાને કારણે મહારાષ્ટ્ર સરકાર પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવવા મુદ્દે વિચારી રહી છે. જોકે હજી સુધી સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. હાલમાં કોરોનાની પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર સરકાર પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવશે.