સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશને હાઈઍલર્ટ કરી દેવાયું છે, તેમાં પણ ખાસ કરીને અયોધ્યામાં મોટી સંખ્યામાં સેનાના જવાનો અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ સાથે જ દેશના તમામ રાજ્યોમાં વિશેષ સુરક્ષા-વ્યવસ્થાના નિર્દેશ કરાયા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ મહાનગરો અને શહેરો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનો નિર્ણય કર્યો છે. વળી, તમામ પોલીસ કર્મચારીઓની આવતીકાલની રજા રદ્દ કરી દેવામાં આવી છે અને કોઇ પણ કર્મચારીને હેડક્વાર્ટર ન છોડવા સુચન પણ કરવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં 3 દિવસ શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ યોગી સરકારે કર્યા છે. બીજીતરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સમાન સૂચનાઓ જાહેર કરી છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષાબળ તૈનાત કરવાનું કહ્યું છે. અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રમાણે યુપી સરકારની મદદ માટે અર્ધ સૈનિક બળોની 40 ટુકડીઓ રાજ્યમાં મોકલી આપી છે. એક ટુકડીમાં 100 સૈનિકો હોય છે.