અટલ એટલે પ્રખર નેતા, અટલ એટલે સ્પષ્ટ વક્તા, અટલ એટલે લોકપ્રિય જનતાના નેતા, અટલ એટલે રાષ્ટ્રવાદી કવિ, અટલ હોવું એ પોતે એક અધ્યાય છે. એક એવા નેતા જે સૌને સાથે લઈને ચાલતા હતા, જેમને ક્યારેય પાર્ટીની રાજનીતિ કરી નથી. પક્ષોને સાઈડમાં રાખી રાષ્ટ્રને સર્વોપરિ રાખ્યો. એટલા માટે જ એવો કોઈ પક્ષ નહીં હોય, જેમાં તેમના ચાહકો ન હોય. તેઓ હંમેશા કહેતા હતા કે, બાધાએ આતી હૈ, ધીરે પ્રલય કી ઘોર ઘટાએ, પાવો કે નીચે અંગારે, સિર પર બરસે યદી જ્વાલાએ, નિઝ હાથોમાં હંસતે હંસતે, આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલના હોગા.
અટલ બિહારી વાજપેયીએ પોતાની જાતને હંમેશા પારદર્શી રાખ્યું, વિચારધારાઓની ભિન્નતા હોવા છતાં પણ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરી સરકારનો કાર્યકાળ પુરો કર્યો. અટલ એક ઓજસ્વી વ્યક્તિત્વ જે વિપક્ષી પાર્ટીઓ પાસેથી પોતાની વિવેચના સાંભળવામાં રત્તી ભર પર શરમાતા નહીં પણ ઉલ્ટાનું તેમને ગંભીરતાથી સાંભળતા. પોતાના વડાપ્રધાનના કાર્યકાળમાં કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશને એક તાંતણે બાંધવાનો પ્રયત્ન કરતા રહ્યા.તેમણે સ્વર્ણિમ ચતુર્ભુજ સડક યોજના અને ગ્રામિણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામિણ સડક યોજનાની શરુઆત કરી.
ત્રણ વાર દેશના વડાપ્રધાન રહેલા અટલ જ્યારે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ દેશના નવમાં એવા નેતા હતા જે બિન કોંગ્રેસી આ પદ પર પહોંચ્યા હતા અને પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. જ્યારે વાજપેયી માટે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત થઈ તો દરેક નેતા અને વ્યક્તિએ આ વાતને વધાવી લીધી હતી.
વર્ષ હતું 1952, જ્યારે વાજપેયીએ લખનઉમાં લોકસભા સીટ પર પહેલી વાર ચૂંટણી લડી અને હારી ગયા, પણ 1957માં ત્રણ લોકસભા સીટ, લખનઉ, મથુરા અને બલરામપુરથી ચૂંટણી લડી અને બલરામપુર સંસદીય સીટ પરથી જીતી તેઓ લોકસભામાં પહોંચ્યા.1996માં અટલ બિહારી વાજપેયીએ લખનઉ સીટની સાથે સાથે ગાંધીનગરથી પણ ચૂંટણી લડી અને બંને જગ્યાએ તેઓ જીતી ગયા. ત્યાર બાદ વાજપેયીએ લખનઉને પોતાની કર્મભૂમિ બનાવી.
હિન્દી પર અટલજીએ ઘણુ કામ કર્યું છે. તેમણે હિન્દી વિશ્વપટલ પર માન અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે શબ્દોની એવી પસંદગી કરી કે, યુએનના પ્રતિનિધીઓએ ઊભા થઈને તાળીયોથી વધાવી લીધા હતા.
શબ્દોમાં એવો જાદુ હતો કે, વિરોધી પણ તેમની વાકપટુતા અને તર્કની સામે મૌન રહેતા. 1994માં જ્યારે કોંગ્રેસે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકાર આયોગમાં ભારતીય પક્ષ રાખવા માટે પ્રતિનિધિમંડળની જવાબદારી અટલ બિહારીને સોંપી, જે આજ સુધીમાં એક વિપક્ષના નેતા પર સરકારનો આટલો વિશ્વાસ ક્યારેય જોવા મળ્યો નથી.
પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી તેમણે ભારતને દુનિયાની સામે મજબૂતી સાથે મુક્યો હતો. સાથે જ સંદેશો આપ્યો કે, ભારત વૈશ્વિક સ્તરે મજબૂતાઈથી ઊભો છે. આમ જોવા જઈએ તો, અટલમાં રાજધર્મનું પાલ કરનારા નેતાના ગુણ તો હતા જ, સાથે સાથે એક કવિ પણ તેમના દિલમાં બિરાજમાન હતો. જે તમને અન્ય નેતાથી ખાસ અને અલગ દર્શાવતા હતા.સ્વતંત્રતા પ્રાપ્તિના બરાબર 16માં દિવસે રાષ્ટ્રધર્મનો પહેલો અંક નિકળ્યો, જેમાં તેમની કવિતા હિન્દુ તન મન હિન્દુ જીવન, હિન્દુ રગ રગ, હિન્દુ મેરા પરિચય...રાજધર્મમાં પહેલા પાને છપાઈ હતી.
વાજપેયીએ નવી નીતિ અને વિચારોના દમ પર ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસના નવા શિખરો આપ્યા.પાકિસ્તાન સાથે અને અમેરિકા સાથે મિત્રતાના સંબંધો મજબૂત કરવા માટે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવ્યા. 16 ઓગસ્ટ 2018ના રોજ રાજકારણના ધુરંધર નેતા આપણને સૌને છોડીને ચાલ્યા ગયા.
મૌત કી ઉંમર ક્યાં હોતી હૈ, દો પલ ભી નહીં, જિંદગી સિલસિલા, આજકલ કી નહીં, મેં જી ભર જીયા, મેં મન સે મરુ, લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરુ ? આવું કહેવા વાળા અટલ હતા અને તેઓ હંમેશા અટલ રહેશે, કેમ કે અટલ ક્યારેય મરતા નથી.
કર્મથી નેતા અને મનથી કવિ અટલ બિહારી વાજપેયીએ 'કાલ કે કપાલ પર' જે લખ્યું તેને ભુલી શકાતું નથી. પક્ષાપક્ષીથી પર રહી રાષ્ટ્રભાવનાના જે ગીતો તેમણે લખ્યા તેને દેશ હંમેશા યાદ કરતો રહેશે.