ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'કલમ 370 સારી હતી તો છેક નહેરુજીના સમયથી એને કામચલાઉ કેમ રાખવામાં આવી હતી. એને કાયમી કેમ ન કરી દેવાઇ એનો જવાબ કોંગ્રેસ આપે.'
તેમણે ઉમેર્યુ હતું કે, 'કોંગ્રેસ હમેંશા વોટબેંકનું રાજકારણ રમે છે. આજે પણ કહે છે કે 370 મી કલમ કામચલાઉ હતી. 70-70 વર્ષ સુધી એક કલમ કામચલાઉ શી રીતે રહી એ સમજાતું નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અખંડ રાષ્ટ્રની કલ્પના રજૂ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરે છે'
નડ્ડાએ કહ્યું હતું કે,"પહેલા શેખ અબ્દુલ્લા, પછી ફારૂક અબ્દુલ્લા અને મુફ્તી મોહમ્મદ સઇદ, ઓમર અબ્દુલ્લા અને ગુલામ નબી આઝાદ કહેતા કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો છે. તેઓ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તે વિશેષ દરજ્જો નથી. શરૂઆતથી જ કલમ 370 કામચલાઉ અને પરિવર્તનશીલ હતી'
નડ્ડાએ જણાવ્યુ હતું કે,' કોંગ્રેસ પાસે 400થી વધુ સાંસદો હતા. કોંગ્રેસે ધાર્યું હોત તો આ કલમને કાયમી કરી શકી હોત. કલમ ખરેખર સારી હોય તો કેમ કાયમી ન કરી. કોણે કોંગ્રેસને રોકી હતી.'