હૈદરાબાદઃ ચીની સેનાની સાથે ઝડપ બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ છે. આ ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ નુકસાન થયું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન જી કિશન રેડ્ડીએ રવિવારે કહ્યું કે, સરકારે ચીન સામે લડવા માટે સેનાને પુરી આઝાદી આપી છે.
તેમણે આ વાત ગલવાન ઘાટીમાં દેશ માટે જીવ ગુમાવનારા કર્નલ સંતોષ બાબુને શ્રદ્ધાંજલિ આપતા સમયે કહી હતી. તેમણે કર્નલના પરિવારની મુલાકાત પણ કરી હતી.
રેડ્ડીએ કહ્યું કે, સ્થાનિક સ્થિતિને જોતા સરકારે ભારતીય સેનાને પૂરી છૂટ આપી છે કે, તે ભારતની સીમાઓ પર પોતાના સૈનિકોની રક્ષા કરતા જેવી રીતે ઇચ્છે તે રીતે ચીની સેનાનો સામનો કરે.
કેન્દ્રીય પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં ચીન વિરૂદ્ધ ઉંડી ભાવનાઓ છે. લોકો પ્રદર્શન કરીને ચીન વિરૂદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી સંભવ છે ત્યાં સુધી પોતાની ઇચ્છાથી જ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાની જરુર છે. દેશની જનતા આ ઇચ્છે છે.
આ પહેલા તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે કર્નલ સંતોષ બાબૂના પરિવારને પાંચ કરોડ રુપિયા, એક આવાસીય ભૂખંડ અને તેમની પત્નીને ગ્રુપ-વનની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેલંગાણાના મુખ્ય પ્રધાન કાર્યાલય અનુસાર, રાજ્ય સરકારે ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા જીવ કુરબાન કરનારા અન્ય 19 જવાનોને પણ 10-10 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી હતી.