તિરૂપતિ: આંધ્રપ્રદેશ સરકારે તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ની 50 સ્થાવર મિલકતોની હરાજી પર પ્રતિબંધ મૂક્યો છે.
રાજકીય વર્તુળોમાં સર્જાયેલા તરંગો ઉપરાંત, વિશ્વભરના ભક્તોની આકરી ટીકાને પગલે આખરે આંધ્રપ્રદેશની રાજ્ય સરકારે દખલ કરી અને તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટ બોર્ડની વિવાદિત દરખાસ્તને અવરોધિત કરવા સરકારનો આદેશ જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તિરૂમલા તિરૂપતિ દેવસ્થનમ (TTD) એ ઋષિકેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્થિત તેની 50 સ્થાવર મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.
તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરતા TTD બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું હતું કે, સ્થાવર મિલકતોની હરાજી કરવામાં આવશે. જેમાં નાના મકાનો, જમીનના પ્લોટ અને ખેતીની જમીનનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે, ઘણા દાયકાઓ પહેલા ટેકરી પર સ્થિત આ તીર્થસ્થાનમાં ભક્તો દ્વારા દાન કરવામાં આવેલી સંપત્તિઓ TTD માટે જાળવી શકાય તેવું નથી અથવા તેઓ કોઈ આવક પણ લાવતા નથી, કેમ કે તે ખૂબ ઓછી છે.
તેમણે કહ્યું કે, આંધ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 26 અને 23 સંપત્તિ છે અને ઋષિકેશમાં જમીન છે રેડ્ડીએ જણાવ્યું હતું કે, હરાજીથી આશરે 24 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ, રાકેશ સિંહાએ, 50 સ્થાવર મિલકતોની હરાજી બંધ કરવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડને વિનંતી કરી હતી.
TTD બોર્ડના વિશેષ આમંત્રિત સભ્ય તરીકે, રાકેશ સિંહાએ TTD અધ્યક્ષ સુબ્બા રેડ્ડીને સંબોધિત એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે TTDબોર્ડને હરાજીની પ્રક્રિયા પર પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું.