ન્યૂઝ ડેસ્કઃ એકબાજુ જ્યાં દેશમાં નોવેલ કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ અત્યંત જોખમી અને ઝેરી એવા બાયોમેડિકલ કચરાના ઢગલાં ખડકાઇ રહ્યા છે. જો આ કચરાનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવામાં આવે તો અનેક જોખમ વધી જશે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી) દ્વારા સ્પષ્ટ એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, બાયોમેડિકલ કચરો નાંખ્યાના 48 કલાકમાં જો તેનો નિકાલ નહીં કરવામાં આવે તો હવાજન્ય રોગનું જોખમ વધી જશે. બોર્ડે તમામ હોસ્પિટલો માટે એક માર્ગનિર્દેશિકા બહાર પાડી છે. જેમાં હોસ્પિટલોને તાકીદ કરવામાં આવી છે કે, તેઓ કોરોના વાઇરસના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાયેલાં કોઇપણ સાધનો (ડિવાઇસ), સિરિન્જ કે નિડલ્સને અન્ય ડિવાઇસના કચરા સાથે ભેળવે નહીં. તેલંગાણાના ચીફ સેક્રેટરીએ એન-કોવિડના ચેપગ્રસ્ત ઘરોમાંથી એકઠાં કરાયેલા કચરાનો નિકાલ કરતી વખતે કેવી અગમચેતી રાખવી તે અંગે તમામ મ્યુનિસિપલ કમિશ્નરોને વિગતવાર છણાવટ કરી છે. આ પ્રકારના કચરાનો નિકાલ કરવો કે તેને જમીનમાં ઉંડો ખાડો ખોદીને દાટી દેવો સમાજ માટે ઉપકારકારક રહેશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરાયેલી માર્ગનિર્દેશિકાને ટાંકતા કેરળના પ્રદુષણ નિયંત્રણ બોર્ડે હોસ્પિટલના કચરાનો કેવી રીતે નિકાલ કરવો તે અંગે કેટલાંક સૂચનો કર્યા હતા. અલબત્ત WHOના નિયમનોમાં એમ કહેવામાં આવ્યું છે કે, ફક્ત 10થી 25 ટકા જ કચરો (બાયો-મેડિકલ વેસ્ટ) જોખમી હોય છે, પરંતુ કોવિડ-19ના પ્રાણઘાતક રોગચાળા સામે જ્યારે જંગ ચાલી રહ્યો હોય ત્યારે આ પ્રકારની ટકાવારીને ધ્યાને લેવી જોઇએ નહીં.
સમસ્ત વિશ્વમાં અંદાજે 8 લાખ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જે પૈકી બે તૃત્યાંશ કરતાં વધુ કેસ તો ફક્ત અમેરિકા, સ્પેન અને ઇટાલી સહિત આઠ દેશોમાંથી જ નોંધાયા છે. એક માત્ર ઇરાનને બાદ કરતાં બાકીના તમામ સાત દેશો બાયો-મેડિકલ કચરાનો નિકાલ કરવામાં ઘણી સાવચેતી અને કાળજી રાખી રહ્યા છે. અહીં ચીનનો ઉલ્લેખ કરવો વિશેષ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે ચીનની સરકારે ઉઘાડા પગ સાથેના ડોક્ટરોની યુક્તિ અમલમાં મૂકી હતી. પ્રવર્તમાન કોરોના વાઇરસના રોગાળા વચ્ચે એક વાત તો પૂરવાર થઇ ગઇ છે કે, શ્રેષ્ઠ આરોગ્ય સેવા કોને કહેવાય. કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે ચીને થોડાં અઠવાડિયામાં જ બે હજાર પથારીની સુવિધા ધરાવતી હોસ્પિટલ ઉભી કરી દીધી હતી. અત્યંત આક્રમક પગલાં લેનાર આવો દેશ પણ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરી શક્યો નહોતો. જો કે, પરિસ્થિતિ વણસી જતાં ચીનની સરકારે હોસ્પિટલની કચરો નિકાલ કરવાની પધ્ધતિને વધુ સક્ષમ બનાવવા તરફ વિશેષ ધ્યાન આપ્યું હતું. આ રોગચાળો વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં હુબેઇ પ્રાંતમાંથી 137 ટન બાયો મેડિકલ કચરો એકઠો કરવામાં આવ્યો હતો અને તેને નિકાલ કરતાં કેન્દ્રો ઉપર મોકલી દેવાયો હતો. થોડાં જ સપ્તાહમાં આ બાયો મેડિકલ કચરો વધીને 317 ટન થઇ ગયો હતો. આ વધી ગયેલા બોજને હળવો કરવા ચીનની સરકારે વુહાન અને ઝીયાઓ ગુઆંગ જેવા શહેરોમાં કચરાના નિકાલ માટે હરતા-ફરતા મોબાઇલ સેન્ટરો ઉભા કરી દીધા હતા. જો કે, ભારતમાં તો સ્થિતિ તદ્દન વિરોધાભાસી છે. હોસ્પિટલો તેનો ઝેરી કચરો પાઇપલાઇન્સમાં કે મીઠા પાણીના સરોવરો કે તળાવોમાં ઠાલવતી હોય એવા દૃશ્યો તદ્દન સામાન્ય છે. રાજ્યોના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તદ્દન બેદરકાર અને ભ્રષ્ટાચારી હોવાથી સીપીસીબી દ્વારા બહાર પડાયેલી સૂચનાઓ પ્રત્યે કોઇ ધ્યાન આપશે તે બાબતે ઘણી આશંકા પ્રવર્તે છે.
બાયો મેડિકલ કચરાના નિકાલ માટે જે નિયમો બનાવામાં આવ્યા છે તેમાં સિરિન્જ, ડોક્ટરો, નર્સો દ્વારા ઉપયોગમાં લેવાયેલા હાથ મોજાંનો રહેણાંક વિસ્તારમાં નિકાલ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં તો વર્ષોથી અન્ય નિયમોની જેમ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થતું આવ્યું છે. વર્ષોથી કાનૂની પ્રતિબંધો સામે આંખ-મિચામણાં કર્યા બાદ હવે જ્યારે કોરોના વાઇરસના રોગે ભરડો લીધો છે, એવા સંજોગોમાં સીપીસીબી માટે એકાએક નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સહેજપણ ઓછી થતી નથી. નવા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અત્યંત ઝેરી કચરો ધરાવતી બેગ, કોથળી કે થેલા-થેલીઓ ઉપર સૌ પ્રથમ હાઇપોક્લોરાઇટ સોલ્યુસનનો છંટકાવ કરવાનો રહેશે અને જે વ્યક્તિ આ કચરાનો નિકાલ કરવાનું કામ કરતો હશે તેને સ્પેશિયલ માસ્ક, ગાઉન, મોજાં અને બુટ પૂરા પાડવાના રહેશે. આ નિયમોના પાલનમાં જો કોઇપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે તો ચેપ ઘણી તિવ્રતા સાથે ફેલાશે. બાયો મેડિકલ કચરાના નિકાલ માટે જે પગલાં લેવાવા જોઇએ તેની યુનિસેફ દ્વારા એક યાદી બહાર પડાયા બાદ હવે આપણી સરકાર સમક્ષ આરોગ્ય અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ માટે સંરક્ષણાત્મક સાધનોનું ઉત્પાદન કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. ચીનના અનુભવે દર્શાવી આપ્યું છે કે, બાયો મેડિકલ અને બાયોડિગ્રેડેબલ કચરાના અસરકારક નિકાલ (બાળી દઇને) માટે વધારાના જરૂરી સાધનો ખરીદી લેવા કેટલા મહત્વના છે. 850થી 1100 ડિગ્રી સેલ્સિયસના તાપમાને પ્રતિ કલાકે 1000 કિલો કચરાનો નિકાલ કરતાં આ સાધનોને ખરીદવામાં કે તેનું ઉત્પાદન કરવામાં જંગી ખર્ચો થાય તેમ છે, પરંતુ તેમ કર્યા વિના હવે કોઇ છૂટકો નથી. ભારત ડાયનેમિક અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને પરવડે એવી કિંમતે સંરક્ષાત્મક સાધનોની ડિઝાઇન અને તેનું ઉત્પાદન કરવાની તૈયારી દર્શાવી છે. બાયો મેડિકલ કચરાના સલમાત નિકાલ માટે સસ્તા વિકલ્પો ઉભા કરવા માટે જાહેર સાહસો દ્વારા જે પહેલ કરવામાં આવી છે તેના કારણે હાલની કટોકટીમાંથી દેશને બચાવી શકાશે.