નવી દિલ્હીઃ મહાત્મા ગાંધી પર વિવાદીત નિવેદન આપનાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનંત કુમાર હેગડેએ પોતાનો બચાવ કરતાં સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે, "મેં મારા નિવેદનમાં ગાંધીજીનું નામ જ લીધું નહોતું. એટલે વિવાદનો પ્રશ્ન જ ઉભો થતો નથી."
અનંતકુમાર હેગડેએ વિવાદીત નિવેદન આપતાં કહ્યું હતું કે, "રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વાળું સ્વતંત્રતા આંદોલન એક નાટક હતું." આ નિવેદન બાદ કોંગ્રેસે તેમનો વિરોધ કર્યો હતો, તો ભાજપે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારીને માફી માગવા કહ્યું હતું.
ભાજપે પણ આ નિવદેન બદલ હેગડેને માફી માગવાનું કહ્યું હતું. નોંધનીય છે કે, આજે સંસદમાં ગાંધીજી અંગેના વિવાદીત નિવેદનને લઈ ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે માગ કરી હતી કે, પૂર્વ કેન્દ્રીય પ્રધાન હેગડે વિરૂદ્ધ દેશદ્રોહનો ગુનો દાખલ કરવો જોઈએ. તેમની આ ટિપ્પણી બદલ નરેન્દ્ર મોદીએ પણ માફી માગવી જોઈએ. હેગડેએ બેંગલુરુમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગાંધીજી પર મજાક કરતાં કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાનીઓએ કોઈ બલિદાન આપ્યું જ નથી. તેમણે ફક્ત દેશને એવો અનુભવ કરાવ્યો છે કે, દેશને આઝાદી ઉપવાસ સત્યાગ્રહના કારણે મળી છે.
ઉત્તર કન્નડથી છ વાર લોકસભા સભ્ય રહી ચૂકેલા 51 વર્ષીય હેગડેએ કહ્યું હતું કે, "જેમણે દેશ માટે ખરેખર બલિદાન આપ્યું છે. જેમણે દેશમાં સુધારો લાવવાનું કામ કર્યુ છે. એવા લોકો ઇતિહાસના અંધારામાં ધકેલાઈ ગયા છે, પરંતુ જેમણે સ્વતંત્રતા નામે નાટક કર્યુ છે, તેઓ સ્વાતંત્ર સેનાની બની ગયા "