નવી દિલ્હીઃ કોરોનાના કાળ વચ્ચે બધુ જ બદલાય ગયું છે. અમરનાથની બાબા બર્ફાનીની પવિત્ર ગુફા ખુલી છે. પવિત્ર ગુફા ખુલતાની સાથે જ ભોળાનાથની પહેલી આરતી કરવામાં આવી હતી. જેના લાઇવ દર્શન લોકોએ ઘરે બેસીને કર્યા હતાં. આજે રવિવારે સવારે સાડા સાત કલાકે બાબા ભોળાનાથની પવિત્ર ગુફાના દરવાજા ખુલ્યા અને આરતીનું લાઇવ પ્રસારણ થયું હતું. બાબ બર્ફાનીના ઘરે બેસીને લાઇવ આરતીનું પ્રસારણ દરરોજ દૂરદર્શન પર સવારે-સાંજે થશે.
પહેલી લાઇવ આરતીમાં પૂજારી ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જી.સી. મુર્મૂ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત અમુક અધિકારીઓ પણ તેમાં સામેલ હતાં. ગુરુ પૂર્ણિમાના ખાસ પ્રસંગે બાબા બર્ફાનીની ગુફાને ખોલવામાં આવી છે. કોરોના મહામારીને લીધે સામાન્ય રીતે આરતીમાં કોઇ ભક્તો જોડાયા નહોતા. સામાન્ય લોકો માટે યાત્રાની તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે. સૂત્રો અનુસાર, 21 જૂલાઇએ બાબા બર્ફાનીની યાત્રા શરુ થઇ શકે છે.
21 જૂલાઇએ શરુ થઇ શકે છે યાત્રા
અમરનાથ યાત્રા 21 જૂલાઇથી શરુ થઇ શકે છે. મળતી માહિતી મુજબ, આ વખતે યાત્રામાં 55 વર્ષથી ઓછી ઉંમરના શ્રદ્ધાળુઓને જ યાત્રા કરવાની અનુમતિ મળશે. શ્રી અમરનાથ શ્રાઇનની લાઇવ આરતીના પ્રસારણને લીધે દૂરદર્શનની 15 સભ્યોની ટીમ ગુફામાં રહેશે.
એક દિવસમાં 500 ભક્તો કરી શકશે દર્શન
કોવિડ 19 મહામારીને ધ્યાને રાખીને આગામી વાર્ષિક અમરનાથ યાત્રાને સીમિત રીતે આયોજન કરવા પર ભાર આપતા જમ્મુ-કાશ્મીર પ્રશાસને શનિવારે કહ્યું કે, માર્ગથી 3,880 મીટર ઉંચાઇએ સ્થિત પવિત્ર ગુફા જવા માટે દરરોજના માત્ર 500 યાત્રાળુઓને અનુમતિ આપવામાં આવશે. પ્રશાસને કહ્યું કે, અમરનાથ તીર્થયાત્રીઓ પર પણ કેન્દ્રશાસિત ક્ષેત્રમાં પ્રવેશ દરમિયાન તપાસ સંચાલન કરવામાં આવશે.
યાત્રિકોનો થશે કોરોના ટેસ્ટ
'યાત્રા 2020'ની તૈયારીઓની સમીક્ષા દરમિયાન મુખ્ય સચિવે કહ્યું કે, કોવિડ 19 મહામારીને ધ્યાને રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ગઠન કરવામાં આવેલી રાજ્ય કાર્યકારી સમિતિએ સંચાલન પ્રક્રિયા જાહેર કરી છે અને જે હેઠળ જમ્મુ-કાશ્મીરમાં આવનારા બધા જ લોકોના નમુના લઇને તપાસ કરવામાં આવશે અને જ્યાં સુધી તેમના રિપોર્ટમાં સંક્રમણ નથી તેવી પુષ્ટિ થશે નહીં ત્યાં સુધી તે ક્વોરન્ટાઇનમાં રહેશે.