કોચી: કેરળના નાણાપ્રધાન ટી. એમ. થોમસ આઇઝેકે બુધવારે બજારમાં ઉધાર માટેના વ્યાજ દર અંગે ચિંતા વ્યક્ત કરી અને કેન્દ્રને વિનંતી કરી હતી કે, રાજ્યોને સીધા રિઝર્વ બેંક પાસેથી ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવે.
તેમણે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કેરળને મંગળવારે ચાલુ નાણાંકીય વર્ષમાં બજારમાં ઉધાર પદ્ધતિ દ્વારા 6,000 કરોડ રૂપિયાના પ્રથમ હપ્તા પ્રાપ્ત થયા છે. આ મુદ્દે કેન્દ્રની ટીકા કરતા આઈઝેકે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે તાજેતરમાં જ રેપોરેટને 8 ટકાથી ઘટાડીને 7.25 ટકા કરી દીધો હોવા છતાં, આગામી 15 વર્ષ માટે બોન્ડ ઉપર 8.96 ટકા વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાઓને કારણે રાજ્યો દ્વારા ગંભીર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેની વચ્ચે પણ બોન્ડ પર બોલાવવામાં આવતા દાયકાના સર્વોચ્ચ વ્યાજ દરથી તેઓ ચોંકી ગયા છે. આઇઝેકે સૂચવ્યું હતું કે, રાજ્યોને સીધા રિઝર્વ બેંક પાસેથી ઉધાર લેવાની મંજૂરી આપવામાં આવે. બીજુ એક સૂચન આપતાં આઇઝેકે એમ પણ કહ્યું કે કેન્દ્ર રિઝર્વ બેન્ક પાસેથી રકમ ઉધાર લેશે અને પછી રાજ્યોમાં વહેંચી શકે.
આઇઝેકે જણાવ્યું હતું કે, કેન્દ્ર અતિ વ્યાજ દર વસૂલ કરીને રાજ્યોને ઉધાર દેવામાં દબાણ કરી રહ્યું છે. આ નીતિ રાજ્યોના મૂળ આર્થિક માળખાને તોડી નાંખી શકે છે. આ સુધારણા કરવા જોઈએ.