સરોવરની નગરી ઉતરાખંડના નૈનીતાલમાં દર વર્ષે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ ફરવા આવે છે. અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો લ્હાવો લેવાનું પણ ભૂલતા નથી. પરંતુ નૈનીતાલ આવતા પ્રવાસીઓને એ ખબર નથી હોતી કે, ઠંડીની સિઝનમાં જે ઘોડાની સવારી કરીને તેઓ નૈનીતાલની શાંત અને સુંદર ખીણનો આનંદ માણે છે, તે ઘોડાને ઠંડી દરમિયાન ઉછેરવા માટે તેમના માલીકને ઘણો સંઘર્ષ કરવો પડે છે.
ઘોડાના માલીક જણાવે છે કે, હાલમાં નૈનીતાલમાં ખૂબ ઠંડી પડી રહી છે. જેનાથી પોતાના ઘોડાઓને બચાવવા તેમના માલીક ઘોડાની ઉંમર અને આરોગ્ય પ્રમાણે તેને રમ (શરાબ) પીવડાવે છે. ઉપરાંત ઘોડાઓને તંદુરસ્ત રાખવા તેને ગોળ, તેલ અને અજમા ખવડાવે છે. રાત્રિના સમયે ઘોડાઓને ગરમ ધાબળા ઓઢાડવામાં આવે છે. એટલું જ નહીં ઘોડાને પગમાં ઠંડીથી બચાવવા પટ્ટીઓ બંધવામાં આવે છે. સાથે જ માથા ઉપર અને ગળામાં મફલર બાંધવામાં આવે છે. જેથી ઘોડાને ઠંડીથી આરામ મળી શકે.