હાલના દિવસોમાં, મોટાભાગના નાગરિકો આલ્કોહોલ-બેઝ્ડ સેનિટાઝિર્સને પ્રાથમિકતા આપે છે. પરંતુ, ઉદ્યોગના નિષ્ણાતો ચેતવણી આપતાં કહે છે કે, આ સેનિટાઇઝર્સ બિમારીને ફેલાવતી અટકાવવામાં મદદરૂપ બનતાં હોવા છતાં, તે ગૃહિણીઓ તેમજ બાળકોને જોખમમાં નાંખી શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં આ જોખમોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હેલ્થકેર ક્ષેત્રના વ્યાવસાયિકો ભલામણ કરે છે કે, લોકો ઘરની અંદર જ રહેતા હોય, તેમ છતાં તેમણે વારંવાર તેમના હાથ ધોતાં રહેવું જોઇએ. લોકો સ્પષ્ટપણે જ સાબુની તુલનામાં સેનિટાઇઝરને પ્રાથમિકતા આપે છે. સાબુનાં ફીણ કરવા માટે અને પછી ધોવા માટે પાણીની જરૂર પડે છે. હેન્ડ સેનિટાઇઝર્સમાં આલ્કોહોલનું પ્રમાણ ૬૦ અને ૯૦ની વચમાં હોય છે. આ આલ્કોહોલિક મિશ્રણ ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન હેઠળ પણ સળગવાની ક્ષમતા ધરાવે છે. હથેળીમાં સેનિટાઇઝર લગાવ્યા પછી તરત જ ગેસ સ્ટવ અથવા દીવાસળી સળગાવવાથી હાથ સળગી શકે છે. સળગવાના જોખમની તીવ્રતા આલ્કોહોલની ટકાવારી સાથે જોડાયેલી છે. સીડીસીના અહેવાલમાં માલૂમ પડ્યું હતું કે, આ સેનિટાઇઝર્સ બાળકોને પણ જોખમમાં મૂકી શકે છે. અહેવાલમાં બાળકોને શૂન્યથી પાંચ વર્ષનાં બાળકો અને છથી દસ વર્ષનાં બાળકો – એમ બે વયજૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં.
અત્યાર સુધીમાં બનેલા બનાવોમાંથી ૯૧ ટકા અકસ્માતો શૂન્યથી પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં સર્જાયા છે. વળી, આ વયજૂથમાં પ્રભાવ નોંધપાત્ર રીતે ઊંચો છે. પાંચ વર્ષ કરતાં વધુ વયનાં બાળકોમાં ત્વચા અને ગળાની બિમારીનું જોખમ રહે છે. કેટલીક વખત, બાળકો સેનિટાઇઝર્સનો ઉપયોગ કર્યા બાદ તેમના હાથ આકસ્મિક રીતે જ મોંમાં નાંખી દે છે. પરિણામે, તેમને ઊલટી થવી, ગળામાં શોષ (ગલદાહ), પેડુમાં દુખાવો થવો અને ઝાડા જેવી બિમારી થઇ શકે છે. જ્વલ્લે જોવા મળતા કેસમાં કોમા, હાઇપોગ્લાઇસેમિયા, ચયાપચયની ક્રિયામાં ઘટાડો થવો વગેરે સહિતની અન્ય મુશ્કેલીઓ સહિત શ્વાસ લેવામાં તકલીફ પડવી, વગેરે જેવી ફેફસાંને લગતી બિમારીનું જોખમ રહે છે. કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવા માટે નિષ્ણાતો વારંવાર હાથ ધોવાની ક્રિયા પર ખૂબ ભાર મૂકે છે. વાસ્તવમાં, તેઓ લોકોને સેનિટાઇઝર્સને બદલે સાબુ અને પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેમણે લોકોને ઘરમાં હોય, તો પણ દર ૧૫ મિનિટે હાથ ધોવાની વિનંતી કરી હતી.