આ કંપાવી દેતી દુર્ઘટનાને હજુ પણ લોકો ભુલી શકતા નથી. આ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બોમ્બ બ્લાસ્ટમાં જે લોકોના મોત થયા હતા, તે લોકોના સગાસંબંધીઓ માટે 26મી જુલાઈની તારીખ હમેશા દુઃખ લઈને આવે છે.
26મી જુલાઈ 2008ના દિવસે અમદાવાદ શહેરમાં 70 મિનિટની અંદર 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટથી સમગ્ર અમદાવાદ જ નહીં પરંતુ ભારત પણ ધણધણી ઉઠ્યુ હતું.
અમદાવાદમાં બ્લાસ્ટ માટે સાઈકલ પર ટીફીનમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આજ પદ્ધતિથી 13મી મે 2008ના દિવસે જયપુરમાં પણ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટનો મુખ્ય ટાર્ગેટ શહેરની બસો હતી.
અમદાવાદ બ્લાસ્ટમાં બે હોસ્પિટલના પ્રાંગણમાં પણ બ્લાસ્ટ થયા હતા. જેમાં અમદાવાદની સીવીલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, શહેરના મણિનગર વિસ્તારમાં બે જીવતા બોમ્બ પણ મળી આવ્યા હતા. શહેરમાં શ્રેણીબદ્ધ રીતે થયેલા બ્લાસ્ટ બાદ બીજા દિવસે હાટકેશ્વર વિસ્તારમાંથી એક બોમ્બ નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
આ બ્લાસ્ટની જવાબદારી ઈન્ડિયન મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી નામના ઉગ્રવાદી સંગઠનોએ સ્વીકારી હતી.
ગુજરાત ATSએ બ્લાસ્ટમાં શંકાસ્પદ રીતે કુલ 9 લોકોની ધરપકડ કરી હતી, ત્યાર બાદ વર્ષ 2016માં લગભગ 8 વર્ષ બાદ અમદાવાદ બ્લાસ્ટના વધુ એક આરોપી નાસિર રંગરેઝની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સિરિયલ બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી અલગ-અલગ 9 રાજ્યોમાંથી 80 આરોપીઓની ધરપકડ કરાઇ છે. જો કે, 20 આરોપીઓ હજુ પણ ફરાર છે.