નવી દિલ્હીઃ અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ક્રિશ્ચિયન મિશેલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા કથિત રીતે મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. મિશેલ હાલમાં તિહાડ જેલમાં બંધ છે અને કોરોનાની ચપેટમાં આવી શકે તેવી સંભાવનાને આધારે વચગાળાના જામીન માટે આ અરજી કરી હતી.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ બી.આર. ગવઈની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ અરજીની સુનાવણી કરી હતી. આ ખંડપીઠે આ અરજીને નકારી કાઢતા કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના નિર્દેશો મુજબ, સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ અધિકાર સમિતિના સ્કેલના આધારે તેમને જામીન આપી શકાય તેમ નથી.
જો કે, મિશેલના વકીલ અલ્ઝો કે. જોસેફે દલીલ કરી હતી કે, આરોપીની ઉંમર અને જેલમાં વધુ ભીડને કારણે કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધારે છે, જે મિશેલના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. મહત્વનું છે કે, આ અગાઉ 7 એપ્રિલે દિલ્હી હાઇકોર્ટે ક્રિશ્ચિયન મિશેલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. જે બાદ મિશેલે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી હતી. મિશેલના વકીલ જોસેફે માહિતી આપી હતી કે, બેંચ અનુસાર ઉચ્ચ અધિકાર સમિતિના નિર્ધારિત સ્કેલના આધારે જેલમાં રહેલા વિદેશી કેદીઓને મુક્ત કરી શકાતા નથી.
કોર્ટે કહ્યું કે, આરોપી મિશેલ જેલના એક અલગ સેલમાં કેદ છે. આ સેલમાં બે અન્ય કેદીઓ તેની સાથે રાખવામાં આવ્યા છે અને તે બે કેદીઓને કોઈ પણ કોરોનાનો ચેપ લાગ્યો નથી. નોંધનીય છે કે, ક્રિશ્ચિયન મિશેલનું દુબઇથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું અને ભારત લાવવામાં આવ્યાં હતાં. 22 ડિસેમ્બર, 2018ના રોજ તેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે 5 જાન્યુઆરીએ કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં હતાં. આ ઉપરાંત અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ મામલે સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં પણ મિશેલ ન્યાયિક કસ્ટડીમાં છે.